નાનાજી દેશમુખ બાગમાં કોન્ટ્રાક્ટરને ખોટી રીતે બિલ ચૂકવાયાનો આક્ષેપ: ડીસા શહેરની જનતાને હરવા ફરવા અને મનોરંજન માટે બનાવાયેલો નાનાજી દેશમુખ બાગ બન્યો ત્યારથી વિવાદમાં છે હાલમાં પણ બગીચાના મેન્ટેનન્સના ચુકવણા બાબતે મોટી ખાયકી થઈ હોવાની વાતને લઈ આ બગીચો ફરીથી વિવાદનું કેન્દ્ર બન્યો છે. ડીસા શહેરના હવાઈ પિલર મેદાનની બાજુમાં વર્ષ 2016 -17 માં નાનાજી દેશમુખ બાગનું નિર્માણ રૂપિયા અઢી કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. જો કે આ બગીચાનું લોકાર્પણ થાય તેની પૂર્વ સંધ્યાએ જ આ બગીચો સરકારી જમીનમાં કોઈની પણ મંજૂરી વગર બનાવવામાં આવ્યો હોવાના વિવાદથી તત્કાલીન કલેક્ટરે બગીચાને પ્રતિબંધિત કરી દીધો હતો.
જેના કારણે ત્રણેક વર્ષ સુધી આ બગીચો બંધ હાલતમાં રહેતા પબ્લિકના નાણાનો બગાડ થતો હોઇ આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ ડીસાના જાગૃત નાગરિકોએ છેક હાઇકોર્ટ સુધી લડત ચલાવતા હાઇકોર્ટના આદેશથી આ બગીચો પબ્લિક માટે ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ બગીચાની નિભાવણી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં વ્યોમ ગ્રીન નામની એજન્સી આ બગીચાની નિભાવણી કરતી હતી.પરંતુ એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ માળી, સિક્યુરિટી અને સફાઈ કામદારો ન રાખી તેમજ સાઉન્ડ સિસ્ટમ, પીવાના પાણી માટે આરઓ સિસ્ટમ તેમજ લાઇટિંગનું મેન્ટેનન્સ ન કરી ખોટા બીલો બનાવી તે નાણા મંજૂર કરાવતા પાલિકામાં વિવાદ ઊભો થયો છે. બગીચામાં આરઓ સિસ્ટમ લગાવી ન હોવા છતાં રૂપિયા મંજુર કરી દેવાતા સુઆયોજીત કૌભાંડ થયું હોવાના નગરજનોએ આક્ષેપ કર્યા છે.
પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે સ્વભંડોળની લ્હાણી કરી : ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે એક જ દિવસમાં સ્વભંડોળની રકમમાંથી એક કરોડથી વધારે ચૂકવણા કર્યા છે. જેમાં નાનાજી દેશમુખ બાગના 26 લાખ ઉપરાંત ટાયરોની ખરીદી પણ શંકાસ્પદ છે. જે ટાયરો ખરીદાયા નથી તેના પણ બિલ વધારે આવવાની લોકોમાં ચર્ચા છે. આ બાબતે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ શૈલેષભાઈ રાયગોરે જણાવ્યું હતું કે, તમામ બીલોની ચુકવણી અંગે ફરીથી ચેક કરવામાં આવશે. બગીચાનું મેન્ટેનન્સ કરનાર એજન્સી ખોટી રીતે પૈસા લઈ ગઈ હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.
નાનાજીના નામે નાણાં ચાઉ કરવાનો કારસો : ડીસા નગર પાલિકા સંચાલિત નાનાજી દેશમુખ બગીચાની જગ્યા બાબતે વિવાદ થતા તેમાં કલેકટરે પ્રતિબંધ મૂક્યો હતો.હાઇકોર્ટે પ્રજાના નાણા વેડફાય છે તેમ કહી બગીચો મેન્ટેન્સ કરવા માટે પરવાનગી માંગી અને ટેન્ડર વગર તથા વર્ક ઓર્ડર વગર 60 લાખથી વધારે રકમની કામગીરી કરી હતી.તે સમયે પણ તેમને લાવેલા ઝાડ અને અન્ય વસ્તુઓ બજારભાવ કરતાં પણ ઊંચી હોવાની રાડ ઉઠી હતી. ત્યારબાદ 2023 માં નગરપાલિકાની તત્કાલીન બોડીએ ઠરાવ કર્યો અને વાર્ષિક 25 લાખની મર્યાદામાં મેન્ટેનન્સ કરવું. જોકે એજન્સી દ્વારા ટેન્ડરની શરતો મુજબ મેન્ટેનન્સ ન થયું હોવા છતાં રૂપિયા 26 લાખ જે ઠરાવની મર્યાદા બહાર હોવાના કારણે ચૂકવાયા તે ઊપરાંત અન્ય બે લાખ ચૂકવાયા તે પણ વિવાદાસ્પદ બને છે. નવાઈની વાત એ છે કે, મહત્વના ચૂકવણાની જગ્યાએ જૂના ચૂકવણા કરવામાં રસ રાખવામાં આવ્યો હોવાનું ફલિત થાય છે.આજે પાલિકા વિદ્યુત બોર્ડના બાકી લેણા ચૂકવી શકતી નથી, કર્મચારીઓના પગાર નિયમિત કરી શકતી નથી તો બગીચાના વિવાદાસ્પદ ચુકવણા કોના ઇશારે થયા તેની તપાસ થવી જોઈએ.તેમ લોકોએ જણાવ્યું હતું.