હત્યા પાછળ લગ્ન માટેની સાટા પદ્ધતિ બની કારણભૂત; ડીસા તાલુકાના જાવલ ગામમાં ખેતરમાં સુઈ રહેલા ખેડૂત ની હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહેને જ પ્રેમી સાથે મળીને પિતરાઈ ભાઈની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
ડીસા તાલુકાના જાવલ ગામમાં 5 દિવસ અગાઉ ખેતરમાં સુઈ રહેલા ગણેશભાઈ જેઠા ભાઈ પટેલ નામના ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ હતી. જોકે, આરોપીઓ કોઈ સુરાગ ન છોડતા પોલીસે 7 જેટલી ટીમો બનાવી હતી. જેમાં 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. બાદમાં હ્યુમન અને ટેક્નિકલ સોર્સ દ્વારા ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે ત્રણ આરોપીઓ ને ઝડપી લીધા હતા. જેમાં સાટા પદ્ધતિમાં પિતરાઈ ભાઈના સાટામાં પરણેલી બહેનને પોતાનો પતિ પસંદ ન હોઈ તેણે પોતાના લગ્ન વિચ્છેદ કરાવવા માટે પ્રેમી સાથે મળી પિતરાઈ ભાઈની હત્યા કરી હોવાનું બહાર આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હોવાનું એસ.પી.અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું. આમ, બનાસકાંઠા પોલીસે સાટા પદ્ધતિ જેવા સામાજિક રિવાજોમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓ ને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
મુવી-ક્રાઈમ સીરીયલો થી આરોપીઓ પ્રભાવિત; જોકે, દ્રશ્યમ જેવી મુવી અને ક્રાઈમની સિરિયલો જોઈ અપરાધ કરનાર આરોપીઓએ કોઈ સુરાગ છોડયા ન હતા. જેથી પોલીસ માટે હત્યાની ગુથથી ઉકેલવી જટિલ બની હતી. છતાં આરોપીઓથી એક કદમ આગળ ચાલતી પોલીસે ગુનાનો ભેદ ઉકેલી લેતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ લોકલ પોલીસ અને એલસીબી ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ
(૧) મંજુબેન જોઇતાભાઇ પટેલ( ગુડોલ) રહે.જાવલ તા.ડીસા
(૨) સહદેવભાઇ કરશનભાઇ પટેલ રહે.ટેટોડા તા.ડીસા
(૩) ભરતભાઇ વાસ્તાભાઇ પટેલ રહે.ટેટોડા તા.ડીસા