પાણીની પાઈપનું જોડાણ નવીન ટાંકીમાં આપવાની કામગીરીને કારણે પાણી પુરવઠો બંધ કરાતા લોકોને હાલાકી પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ફિલ્ટર પ્લાન્ટ નજીકની 10 લાખ લિટરની પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી ચારેકોરથી લીકેજ થયેલી હોવાથી દિવસ દરમિયાન હજારો લિટર ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી નિરથૅક વહી રહ્યું હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા આ ટાંકીનું રિપેરિંગ કામ કરાવવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાના સમાચાર રખેવાળ ન્યૂઝમાં પ્રકાશિત થતાં કુભકણૅ ની નિદ્રામાં પોઢેલા પાલિકા સતાધીશો એ સફાળા જાગી લિકેજ ટાંકી નું કનેક્શન કાપી શુક્રવારે સમારકામ શરૂ કરાવતા શહેરીજનોએ આ સમસ્યાને ઉજાગર કરનાર રખેવાળ ન્યૂઝના પાટણના મિડિયા કર્મીનો આભાર વ્યક્ત કર્યો હતો.
જોકે આ લીકેજ બનેલી ટાંકીના સમારકામને લઈને કપાયેલા કનેક્શનને નવીન ટાંકીમાં જોડાણ આપવાની કામગીરી હાથ ધરાતા પાટણ શહેરમાં 24 કલાક માટે પાણી પુરવઠો બંધ કરવાની પાલિકા સત્તાધીશોને ફરજ પડતા શહેરીજનોએ પાણી માટે પરેશાની ભોગવવી પડી હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્ટર પ્લાન્ટ નજીકની લિકેજ બનેલી પાણીની ટાંકીની પાલિકા પ્રમુખ સહિતની ટીમે સ્થળ તપાસ કરી કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી તેનું સુવ્યવસ્થિત સમારકામ કરવાની સાથે નવીન ટાંકીમાં ઝડપી પાણીની પાઇપલાઇનનું જોડાણ કરી શહેરમાં પાણી પુરવઠો ઉપલબ્ધ બનાવવા જણાવ્યું હતું.