ક્રાઈમ પેટ્રોલ જેવી સરિયલો જોઈ ગુનાખોરીને આપ્યો અંજામ: વીમો મંજુર કરાવવા પોતાના મોતનું તરકટ રચી મજૂરની હત્યા કરી કાર સાથે સળગાવનાર ફરાર આરોપી મુમનવાસથી ઝડપાયો પાલનપુર-અંબાજી હાઇવે પર ધનપુરા પાસે ધ બર્નિંગ કારના ચકચારી કેસનો મુખ્ય આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. રૂ.1.26 કરોડનો વીમો પાસ કરાવવા પોતાના જ મોતનું તરકટ રચવાના કેસમાં પોતાની હોટલ પર કામ કરતા શ્રમિકની હત્યા કરી કાર સાથે સળગાવી મુકનાર ફરાર આરોપીને ઝડપી લઈ પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના ઢેલાણા ગામના દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર (રાજપૂત) નામના વ્યક્તિએ હોટલ બનાવવા લોન લીધી હતી. જોકે, માથે દેવું થઈ જતા તેને ક્રાઈમ પેટ્રોલ જેવી ટીવી સિરિયલો જોઈને નવો તુક્કો સુજયો હતો. જે મુજબ તેણે રૂ. 1.26 કરોડનો વીમો પાસ કરાવવા માટે પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં તેણે તેના સાગરીતોની મદદથી કારમાં એક મૃતક વ્યક્તિના મૃતદેહને મૂકી કાર બાળી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. જેમાં ઢેલાણાના સ્મશાનમાંથી રમેશ સોલંકી નામના વ્યક્તિ સહિતના 2 કંકાલ બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ કંકાલ ક્ષત વિક્ષિત હોઈ તેનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. બાદમાં પોતાની હોટલમાં કામ કરતા અમીરગઢના વિરમપુરના રેવાજી મોહનજી ગામેતી(ઠાકોર) નામના શ્રમિકની હત્યા કરી તેના મૃતદેહને સળગાવી દેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે કેસમાં મુખ્ય આરોપી દલપતસિંહ રાજપૂત ફરાર હતો. જેને પોલીસે હ્યુમન અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે મુમનવાસ પાસેથી દબોચી લીધો હતો. પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી સહિત 9 આરોપીઓને ઝડપી લઈ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી લીધો હોવાનું જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું હતું.
જોકે, આજના ટી.વી.અને મોબાઈલના યુગમાં ક્રાઈમની સિરિયલો જોઈ લોકો ગુનાખોરી તરફ વળતા હોય છે. લોકો મનોરંજનના સંસાધનોનો ઉપયોગ કરવાને બદલે દુરુપયોગ કરતા હોય છે. જેને લઈને આવી ફિલ્મી પટકથા ને પણ ટક્કર મારે તેવી ક્રાઈમ થ્રીલર સસ્પેન્સ ગુનાખોરીને અંજામ આપી નિર્દોષ માનવ જીંદગી હણી લઈ લોકો પોતાની અને અન્યોની જિંદગી બરબાદ કરી રહ્યા છે.