ભાજપના બે જૂથોની આંતરીક ખેંચતાણનો મુદ્દો ટોક ઓફ ધી ડિસ્ટ્રીકટ : ડીસા પાલિકા પ્રમુખને હટાવવાનો મુદ્દો અધ્ધરતાલ

ભાજપના બે જૂથોની આંતરીક ખેંચતાણનો મુદ્દો ટોક ઓફ ધી ડિસ્ટ્રીકટ : ડીસા પાલિકા પ્રમુખને હટાવવાનો મુદ્દો અધ્ધરતાલ

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખના રાજીનામાંને લઈ છવાયેલા ઉહાપોહ વચ્ચે પાર્ટીએ સહી ઝુંબેશ હાથ ધરતા હાલ પૂરતો આ મુદ્દો અધ્ધરતાલ રહેવા પામ્યો છે.

ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના જૂથો વચ્ચેની આંતરીક જુથબંધી નવાઈની વાત રહી નથી.જે જુથબંધી અવારનવાર સપાટી ઉપર પણ આવી જાય છે. જેના કારણે પાલિકાના વહીવટ ઉપર વિપરીત અસરો પડે છે. તેમાં પણ બીજી ટર્મમાં નગરપાલિકાના પ્રમુખ પદે સંગીતાબેન દવેનું નામ આવતાની સાથે જ બીજું જૂથ સક્રિય થઈને તેમનો વિરોધ કરવા લાગ્યું હતું.તેથી તેમના ચાર્જ લેવા સહિત સમિતિઓની રચના,જનરલ બોર્ડની સભા,વિકાસ કામો વગેરેને લઈ ભારે વિવાદો સર્જાતા હતા.એટલું જ નહીં, પ્રમુખ પદેથી સંગીતાબેન દવેને હટાવવા છેક પાર્ટીના પ્રદેશ મોવડીઓ સુધી વારંવાર રજૂઆતો થતી હતી.તેથી વિવાદ ઠારવા પાર્ટીના મોવડીઓએ આજે સંગીતાબેનને પ્રમુખ પદેથી રાજીનામુ આપવાનું અલ્ટીમેટમ આપ્યું હતું અને સદસ્યોની સહી ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ભાજપના 27 માંથી 12 સદસ્યોએ સહી કરી હતી.

આ ઉપરાંત ભાજપ સમર્થીત 3 સદસ્યોએ સહી કરી હતી જ્યારે 5 અપક્ષ સદસ્યોએ સહી કરી હતી. જેથી માત્ર 20 સદસ્યોની સહી થતા પાલિકા પ્રમુખને હટાવવાનો મુદ્દો અધ્ધરતાલ રહેવા પામ્યો છે પણ તેને લઈ આ મુદ્દે અવનવી અટકળો વહેતી થતા અને હવે રાજીનામાંનું રહસ્ય પણ ગૂંચવાતા આ મુદ્દો આખો દિવસ ‘ટોક ઓફ ધી ડિસ્ટ્રીકટ’ બની જવા પામ્યો હતો.

પ્રારંભે પાર્ટીએ વિરોધ ન ગણકાર્યો: પાર્ટીના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ જો પ્રમુખ સંગીતાબેન દવેનું શાસન બરાબર ન હોત તો સદસ્યો છ મહિના બાદ વિરોધ કરી શકતા હતા પરંતુ સગીતાબેને હજી ચાર્જ લીધો ન હતો ત્યારથી એક જૂથ તેઓના વિરોધમાં તેમને હટાવવા છેક પાર્ટી મોવડી મંડળ સમક્ષ પહોંચી ગયું હતું.જેના કારણે મોવડી મંડળે આ જૂથનો વિરોધ ગણકાર્યો નહતો.

આગામી નિર્ણય પાર્ટી લેશે : શહેર ભાજપ પ્રમુખ આ મુદ્દે ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડીયાએ જણાવ્યું હતું કે, પાર્ટીના મોવડીઓએ મહિલા પ્રમુખનું રાજીનામુ માંગ્યુ હતું તેમ છતાં તેમણે રાજીનામુ આપ્યું નથી.તેથી હવે આગામી નિર્ણય પણ પાર્ટીના મોવડીઓ લેશે.

subscriber

Related Articles