વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 18મી પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને ઓડિશાના સીએમ મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ, ત્રિનિદાદ અને ટોબેગોના પ્રમુખ, ક્રિસ્ટીન કાર્લા કાંગાલુએ પરિષદને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરી હતી.
સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે દુનિયામાં એક સમય હતો કે તલવારના જોરે સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં આવતો હતો. ત્યારે આપણા સમ્રાટ અશોકે અહીં શાંતિનો માર્ગ પસંદ કર્યો હતો. આપણી વિરાસતની આ એ જ તાકાત છે, જેની પ્રેરણાથી ભારત આજે વિશ્વને કહેવા સક્ષમ છે કે ભવિષ્ય યુદ્ધમાં નથી, પરંતુ બુદ્ધમાં છે.
આ કાર્યક્રમમાં 70 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. આ સંમેલન 10 જાન્યુઆરી સુધી ચાલશે, જેનું સમાપન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે. પીએમ મોદીએ ગુરુવારે ભારતીય પ્રવાસીઓ માટે વિશેષ પ્રવાસી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. દિલ્હીના નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશનથી ચાલતી ટ્રેન ત્રણ અઠવાડિયા સુધી ઘણા પ્રવાસન સ્થળોએ પહોંચશે.