મેરા ગ્રામ પંચાયતના સરપંચની પેટા ચૂંટણી પણ યોજાશે
સરપંચ બનવા માંગતા દાવેદારોનો ગ્રામ્ય આગેવાનો સાથે બંધ બારણે બેઠકોનો દોર શરૂ
બનાસકાંઠા જિલ્લામાં આખરે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં ભાભર તાલુકામાં 47 ગ્રામ પંચાયતો આવેલી છે જેમાંથી 23 પંચાયતોની ચૂંટણી જાહેર થઈ છે. જ્યાં ઘણા સમયથી ગ્રામ પંચાયતમાં વહીવટદારોનું શાસન ચાલતું હતું તેના કારણે વિકાસના કામોમાં પણ અવરોધ જોવા મળતો હતો. જેને લઈને આ ચૂંટણીની તારીખો જાહેર થઈ છે તેથી વહીવટદારોના શાસનનો અંત આવશે. હવે જે સરપંચ બનવાના દાવેદારો છે તેઓએ પણ કમર કશી છે અને ગ્રામ્ય વિસ્તારના અને સંગઠનના આગેવાનો જોડે બંધ બારણે બેઠકો યોજી રહ્યા છે. સરપંચની દાવેદારી કરવા માટે તેઓએ રાજકીય લોબીગ પણ ચાલુ કરી દીધુ છે.જો કે 9 જૂન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તેથી આવનારા સમયમાં 23 પંચાયતોમાં કોણ દાવેદારી નોંધાવે છે.તે જાણવા મળશે પણ ગ્રામીણ વિસ્તારોમાં અત્યારથી જ રાજકીય ગતિવિધિઓ અને ચહલ પહલ જોવા મળી રહી છે.
કયા ગામોમાં ચૂંટણી ?
તનવાડ, અબાળા, અબાસણા, અસાણા, બરવાળા, બેડા, ભીંમ બોરડી, ભોડાળીયા, ચિચોદરા, દેવકાપડી, કારેલા, ખારી પાલડી, ચેમ્બુઆ નવા, ચેમ્બુઆ જુના, તેતરવા, વડાણા,વડપગ, જાસનવાડા, ખડોશણ, ચાત્રા, મેશપુરા, સણવા અને લાડુલા
ભાભરની ૨૩ ગ્રામ પંચાયતની ચુંટણીના ત્રીજા દિવસે સરપંચનું એક પણ ફોર્મ ન ભરાયું
ચીચોદરા ગ્રામ પંચાયતના વોર્ડ માટે ૫ ફોર્મ ભરાયાં; ભાભર તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતોમાં ચુંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. પણ ફોર્મ ભરવાના આજે ત્રીજા દિવસે સરપંચ પદના ઉમેદવારો માટે હજુ સુધી એક પણ ફોર્મ આવ્યું નથી.ભાભર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુંટણી અધિકારીઓ અને કર્મચારીઓ ચુંટણી પ્રક્રિયા માટે ફરજ બજાવી રહ્યા છે પરંતુ ૨૩ ગ્રામ પંચાયતોમાંથી હજુ સુધી કોઈ ઉમેદવારી પત્ર ભરવા આવ્યું નથી.જો કે ભાભર તાલુકાની ચીચોદરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં વોર્ડ નંબર ૧,૨,૩,૪ અને ૮ માટે કુલ ૫ ઉમેદવારોએ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું.