હારીજ એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડકટરે બસ માથી મળેલ પૈસા ભરેલ પાકીટ એક વૃદ્ધ મહિલા મુસાફરને પરત કરી પોતાની માનવતા મહેકાવતા સૌ લોકોએ કંડકટર ની ઈમાનદારી ને સરાહનીય લેખાવી હતી. હારીજ થી સતાધાર સોમવારે જતી એસટી બસમાં એક વૃદ્ધ મહિલા માલવણ ગામની ચોકડી થી બજાણા ગામે ઉતર્યા હતા.તેઓ બસમાં જ પોતાનું પૈસા ભરેલુ પાકીટ ભૂલી ગયા હતા.બસના કંડકટર વિજય પ્રજાપતિની નજર પાકીટ ઉપર પડતાં તેમણે પાકીટ તપાસ કરતા પાકીટમાં 4500 રૂપિયા રોકડા હતા.
આ વૃદ્ધ મહિલાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય વિજય પ્રજાપતિએ તરત જ મહિલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ સંપર્ક ના થઇ શકતા તેમને એસટી કંટ્રોલરૂમ અને ડેપો મેનેજરને જાણ કરી હતી.સતાધાર થી પરત ફરતા કંડકટર વિજય પ્રજાપતિ એ બજાણા ગામના બસ સ્ટેન્ડ ઉપર બસ ઉભી રાખી મહિલા મુસાફરનો સંપર્ક કરી પાકીટ પરત આપી પોતાની પ્રામાણિકતાના દશૅન કરાવતા બસમાં બેઠેલા અન્ય મુસાફરો પણ પ્રભાવિત થયા હતા.વૃદ્ધા ફુગ્ગા વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હોઈ તેમણે કંડકટર વિજયભાઈનો આભાર માન્યો હતો.