શ્રમજીવી વિસ્તારના રોડ,સફાઈ અને ગટરને લગતા પ્રશ્નો વિકટ બનતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત..
પાટણ AAP ની સમસ્યાઓનું નિરાકરણની માંગ સાથે આંદોલનની ચિમકી
પાટણ નગર પાલિકાના સતાધીશોની નિષ્ક્રિયતા ને કારણે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાટણના નગરજનો અનેક યાતનાઓ નો ભોગ બની રહ્યા હોવાની પ્રતિતી નગરજનો કરી રહ્યા છે. ત્યારે ભાજપ શાસિત પા.ન.પા. ની બેદરકારીના કારણે જિલ્લા કોટૅ ની પાછળ ની અને પોલીસ અધિક્ષકની કચેરીથી સૌ મીટરની દુરી પર આવેલ શ્રમજીવી વિસ્તારમાં રોડ,સફાઈ અને ગટરને લગતા પ્રશ્નો વિકટ બનતાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સાથે વિસ્તારની હાલત નકૉગાર બની છે.ત્યારે પાટણ આપ પાર્ટી દ્વારા આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ સાથે આંદોલનની ચિમકી આપી હોવાનું જાણવા મળ્યું છે.
આપ પાર્ટી ના કાર્યકર સ્વયંમ સાલવી એ પાટણ નગર પાલિકા સામે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લા કોર્ટના ગેટથી કર્મચારી નગર થઈ શ્રમજીવી આવાસ ફ્લેટ્સ સુધી મંજૂર કરાયેલ રૂ, ૧૦,૫૦ લાખના સી.સી રોડની ગ્રાન્ટ પાટણ નગરપાલિકા દ્વારા વીજબીલમાં ભરી દીધી હોવાથી આ વિસ્તાર સ્થાનિકોને ના છુટકે કાદવ-કીચડ અને ગટરના રેલાતા પાણી માંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે.
તો પાટણ શ્રમજીવી આવાસ વિસ્તારના વોર્ડ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક નગર સેવકો શ્રમજીવી વિસ્તારના લોકોની ઉપરોક્ત સમસ્યા નું નિરાકરણ લાવવામાં બિલકુલ નિષ્ક્રિય હોવાના તેઓએ આક્ષેપો કયૉ હતા. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ શ્રમજીવી આવાસ વિસ્તારમા સજૉયેલ આવી અસહ્ય સમસ્યાઓના કારણે મચ્છર જન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક લોકોમાં ઉદભવી છે. પાટણ નગરપાલિકા દ્રારા આ વિસ્તારમાં સત્વરે દવાનો છંટકાવ કરવામાં આવે અને ગટર, સફાઈ તેમજ રોડના પ્રશ્નોનુ તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહિ આવે તો આગામી દિવસોમાં પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી સ્થાનિકોને સાથે રાખી પાલિકા વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપી છે.


