મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ઐઠોર ગામ કે જે ગણપતિ દાદાના એક અનન્ય ધામ તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે, ત્યાંથી નજીકમાં ઊંઝાનું જગ વિખ્યાત ઉમિયા માતાજીનું મંદિર પણ આવેલું છે. બન્નેય દેવસ્થાનો ખૂબ જ નજીકના અંતરે આવેલા હોઈ ત્યાં આવવા અને જવા માટે સુગમ બસ વ્યવસ્થા છે. પરંતુ ઐઠોર ગામમાં આવેલું મુખ્ય બસ સ્ટેન્ડ હાલના તબક્કે સાવ જર્જરિત હાલતમાં આવી ગયું છે. ઐઠોર ગામે ગણપતિ મંદિરે ચોથ ભરવા આવતા પ્રવાસીઓ અને ઊંઝા શ્રી ઉમિયા માતાજી જતા પદયાત્રીઓ માટે વિશ્રામ સ્થળ તરીકે અહિયાનું બસ સ્ટેન્ડ કાર્ય કરે છે.
જર્જરિત અને પડું પડું અવસ્થામાં ઉભા રહેલા આવા બસ સ્ટેન્ડના કારણે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો સારી એવી જાનહાની થઈ શકે તેવી શકતાઓ છે. જે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બસ સ્ટેન્ડની યોગ્ય તપાસ કરવામાં આવે અને જર્જરિત બસ સ્ટેન્ડને તોડી પાડી સત્વરે ત્યાં નવું બસ સ્ટેન્ડ બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનોની લોક માંગ ઉઠવા પામી છે.