કબ્રસ્તાનમાંથી મૃતદેહ કાઢી ગાડી સાથે સળગાવી રચેલા તરકટનો પર્દાફાશ
ફિલ્મી સ્ટોરી જેવી ક્રાઈમ કથાનો મુખ્ય સૂત્રધાર ફરાર: સાગરીતો સકંજામાં: પાલનપુર-અંબાજી હાઇવે પર તાજેતરમાં એક કાર તેના ચાલક સાથે બળીને રાખ થયેલી હાલત માં મળી આવી હતી. પ્રથમ દ્રષ્ટિ એ અકસ્માત લાગતા બનાવમાં પોલીસ તપાસમાં ફિલ્મી પટકથા જેવી સ્ટોરી સામે આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દેવું વધી જતાં કાર માલિકે રૂ.1.26 કરોડનો વીમો પાસ કરાવવા પોતાના જ મોતનું તરકટ રચ્યું હોવાનું બહાર આવતા પોલીસે મુખ્ય સૂત્રધારને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડગામ તાલુકાના ધનપુરા નજીક પાંચ દિવસ અગાઉ કાર સાથે સળગી ગયેલા અજાણ્યા શખ્સની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમાં ઢેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરકટ રચી રૂપિયા 1.26 કરોડનો વીમો પાસ કરાવવા ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કારસ્તાનમાં સામેલ મુખ્ય આરોપીના સાગરીતોની ધરપકડ કરી મુખ્ય આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.
બળેલી કારમાં વડગામના ઢેલાણા ગામે રહેતા દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરસનજી પરમાર બળીને ખાખ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, બાદમાં પોલીસને આ ઘટનામાં શંકાઓ જતાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં દલપતસિંહ જીવિત હોવાની જાણ થઇ હતી. દલપતસિંહ જીવિત હોવાનું સામે આવતા કારમાં સળગી જનાર વ્યક્તિ કોણ હતી તેની તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે પોલીસે દલપતસિંહના મોબાઇલના સીડીઆર ચેક કરતાં દલપતસિંહ ની સાથે છેલ્લી વાત મહેશ નરસંગજી ઠાકોર નામના શખ્સે કરી હોવાનું સામે આવ્યું હતું.
આથી પોલીસે મહેશ ઠાકોર, ઘોડિયાળના ભેમા ભીખાજી રાજપૂત, દાંતાના ખેરમાળના દેવા લલ્લુભાઈ ગમાર અને સુરેશ બાબુભાઈ બુબડિયાને પોલીસ મથકે લાવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઢેલાણા ગામે ચાર મહિના અગાઉ મૃત્યુ પામેલા રમેશભાઈ તળશીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાં જમીનમાંથી ખોદીને બહાર કઢાવ્યો હતો.જે મૃતદેહ પોતાની કાર માં મૂકી ધનપુરા નજીક જ્વલનશીલ પ્રવાહી છાંટી કાર સાથે મૃતદેહને સળગાવી દીધો હતો અને કારમાં પોતે મરી ગયો હોવાનું જાહેર કરવાના ઇરાદે આ દલપતસિંહ ફરાર થઈ ગયો હતો.
પોલીસ તપાસમાં દલપતસિંહે કેદારનાથ હોટલ બનાવી હતી. જેના ઉપર રૂપિયા 15 લાખની લોન અને કાર ઉપર 1.80 લાખ ની લોન મળી કુલ 16.80 લાખનું દેવું હતું. આ લોન ભરપાઈ ન કરવી પડે તે માટે દલપતસિંહે પોતાનો રૂપિયા 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને રૂપિયા 26 લાખનો LICનો વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરાવવા માટે પોતાના જ મોતનું તરકટ રચ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સવા કરોડનો વીમો પાસ કરાવવા કબરમાંથી લાશ કાઢી ગાડી સાથે સળગાવી નાખી દેવું પૂરું કરવા પોતાના જ મોતનું તરકટ રચવાના ગુનામાં પોલીસ તપાસ હજુ પણ ઉંડાણપૂર્વક રીતે તેજ ગતિ એ ચાલી રહી છે. ત્યારે દ્રશ્યમ અને માલામાલ વિકલી હિન્દી ફિલ્મ જેવો પ્લાન ઘડનાર વડગામના ધનપુરા ની આ આખી ઘટનામાં પોલીસ તપાસમાં નવો રહસ્મય વળાંક આવી શકે તેમ છે.