માન સરોવર તળાવમાં રહેલા જળચર જીવોને બચાવી લેવા નગર પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ આગળ આવ્યા ; પાલનપુરના આવેલ ઐતિહાસિક માનસરોવરના રીનોવેશનની કામગીરીમાં તળાવમાં રહેલ પાણી ખાલી કરવામાં આવતા તળાવમાં રહેલા અસંખ્ય જળચર જીવનું અસ્તિત્વ જોખમ મુકાતા આ જીવોને બચાવી લેવા જીવદયા પ્રેમીઓ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઇ પાલિકા પ્રમુખે માન સરોવર તળાવના જીવોને બચાવી લેવા કે કઇ કરવું પડે તે કરવાની તૈયારી દર્શાવી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના જોવા લાયક સ્થળોમાં સમાવિષ્ઠ માન સરોવર તળાવની કાયાપલટ કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તળાવને ઉડું તેમજ ડેવલેપમેન્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેમાં તળાવમાં રહેલ પાણી ખાલી કરવામાં આવતાં તળાવમાં રહેલ અસંખ્ય માછલીઓ, કાચબા,સરીસૃપ જેવા જીવોનું તળાવનું પાણી ઉલેચવાથી અસ્તિત્વ નાશ પામે તેમ હોય આ જીવોને બચાવી લેવા શહેરના જીવદયા પ્રેમીઓ માટે જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા જીવદયા પ્રેમીઓમાં નિરાશા વ્યાપી હતી. જોકે નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ નાગજી દેસાઇએ આ બાબતને ગંભીરતાથી લઇ માન સરોવર તળાવની મુલાકાત કરી એજન્સીને તળાવમાં રહેલા જીવોનું તળાવની બાજુમાં ખાડો ખોદી તેમાં સ્થળાંતર કરવાની સૂચના આપી હતી. જેને લઇ જીવોના જીવ બચી જવાની લઇ જીવદયા પ્રેમીઓ ખુશાલી વ્યાપી જવા પામી છે.