ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં ભેળસેળયુક્ત સોડા પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. પોલીસનું કહેવું છે કે આ ત્રણેય મૃતકોએ સોડા બોટલમાં કંઈક ભેળવીને પીધું હોવાની શંકા છે. તેમના લોહીના નમૂના તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલવામાં આવ્યા હતા.
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓનાં મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. માત્ર અડધા કલાકના ગાળામાં ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરમાં દોઢ વર્ષ બાદ મોતનું તાંડવ ફરી થયું છે. બિલોદરા નશીલા સિરપકાંડ બાદ રવિવારે (9 ફેબ્રુઆરી) મોડી રાત્રે અડધા કલાકમાં ટપોટપ ત્રણનાં મોત થયાં હતાં. મૃતકના પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે. જેથી લઠ્ઠાકાંડની આશંકા છે.
હોસ્પિટલ પોલીસ કાફલો દોડી ગયો; બનાવની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી છે અને બોડીને પીએમ કરાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે, મૃતકના પરિવારના સભ્યોએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા કે, દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લથડી અને મોત થયું છે. આ બનાવમાં લઠ્ઠાકાંડની પણ શક્યતા કહી શકાય એમ છે. શંકાસ્પદ મૃતકોનાં નામ યોગેશ કુશવાહ, રવિન્દ્ર રાઠોડ તથા કનુભાઈ ચૌહાણ છે.
મૃતકના સંબંધીએ જણાવ્યું કે, મારો ભત્રીજો કનુ ચૌહાણ કાયમ વજન કાંટો લઈને જવાહરનગર ફાટક પાસે બેસતો હતો. દરરોજ દારૂ પીવે છે, આજે સાંજે પીધો હશે એટલે તેની તબિયત લથડી હતી. અમને જેવી જાણ થઈ અમે ત્યાં પહોંચ્યા અને તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. અડધા કલાકમાં 3 વ્યક્તિઓ દારૂ પીધા બાદ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું છે. હાલ પોલીસને જાણ કરતા પોલીસ બનાવ સ્થળે દોડી તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હાલ તમામ લોકોનાં નિવેદન લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.