કડીના કરણનગર રોડ સ્થિત આશ્રમ પાસે રોડ વચ્ચે બેઠેલા આખલા સાથે બાઈક અથડાતાં રોડ પર ફંગોળાયેલા બાઇક સવાર બે યુવકોનું મોત થયું હતું. રાત્રે બે મિત્રો બાઇક પર ઘરે જઇ રહ્યા હતા, ત્યારે અંધારામાં રોડ વચ્ચે બેઠેલો આખલો નહીં દેખાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે તેમજ બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. કડીના કરણનગરમાં બજાણિયા વાસમાં રહેતા બજાણિયા રણજીત રમેશભાઈ અને બજાણિયા અજય ભરતભાઈ બંને જણા સોમવારે કામ અર્થે બાઇક લઈને કડી ગયા હતા. દરમિયાન, મોડી રાતે બંને જણા બાઇક લઈને કડીથી કરણનગર ઘરે આ વવા નીકળ્યા હતા.
ત્યારે કડી- કરણનગર રોડ પર શિવનારાયણ આશ્રમ પાસે રોડ વચ્ચે આખલો બેઠેલો હતો, જે રાતના અંધારામાં નહીં દેખાતાં બાઇક આખલાને અથડાતાં બંને જણા રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓ થતાં અજયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રણજીતને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવાયો હતો.જ્યાં મંગળવારે સવારે તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.