ફરી આતંકી હુમલો; પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં, 4 સૈનિકો સહિત 5 લોકોના મોત

ફરી આતંકી હુમલો; પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં, 4 સૈનિકો સહિત 5 લોકોના મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં અર્ધલશ્કરી દળના વાહનને નિશાન બનાવ્યું છે. આ આતંકી હુમલામાં ચાર જવાનો સહિત પાંચ લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી છે. આ ઘટના દક્ષિણ વઝીરિસ્તાનની સરહદે આવેલા ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં બની હતી.

ઓચિંતો હુમલો; પોલીસના જણાવ્યા અનુસાર, ‘કરીજાત લેવી’ નામના અર્ધલશ્કરી દળના જવાનો એક ખાનગી ડ્રાઈવર સાથે જિલ્લાના દરબન તહસીલમાં ચોરેલી ટ્રકને રિકવર કરવા જઈ રહ્યા હતા ત્યારે તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ફોર્સના ચાર જવાન અને એક નાગરિક માર્યા ગયા હતા.

આતંકવાદ વિરોધી કામગીરી ચાલુ ; ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટા પાયે આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. શનિવારે કાયદા અમલીકરણ એજન્સીઓએ બલૂચિસ્તાનમાં અલગ-અલગ કાર્યવાહીમાં 23 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. દરમિયાન, પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે કહ્યું છે કે જેઓ દેશને નિશાન બનાવે છે અને વિદેશી આકાઓના ઈશારે આતંકવાદી ગતિવિધિઓ કરે છે, જેઓ ‘મિત્રોના વેશમાં દુશ્મન’ છે, તેમને મારી નાખવામાં આવશે. બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન 18 સૈનિકો માર્યા ગયા બાદ મુનીરે શનિવારે ક્વેટાની મુલાકાત લીધી હતી. આ સંઘર્ષમાં 23 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *