હિમાચલ પ્રદેશ પોલીસે સોલાંગ ઘાટીથી અટલ ટનલ સુધી ફસાયેલા સેંકડો વાહનો અને મુસાફરોને બચાવ્યા. મનાલીના ડીએસપી એ જણાવ્યું હતું કે ખરાબ હવામાનની ચેતવણી બાદ આ વાહનો ફસાઈ ગયા હતા. હિમાચલ પ્રદેશ પોલીસ ઘણા પ્રવાસીઓ માટે દેવદૂત સાબિત થઈ છે. અહેવાલો અનુસાર, હિમાચલ પ્રદેશ પોલીસની ઘણી ટીમોએ મળીને 1800 થી વધુ વાહનો અને મુસાફરોને બચાવ્યા જેઓ ભારે હિમવર્ષાને કારણે સોલાંગ ઘાટીથી અટલ ટનલ સુધીના માર્ગમાં ફસાયેલા હતા. આ અંગે માહિતી આપતાં મનાલીના ડીએસપી કેડી શર્માએ જણાવ્યું કે શુક્રવારે ખરાબ હવામાનની ચેતવણી બાદ સોલાંગ ઘાટી અને અટલ ટનલ વચ્ચે 2000થી વધુ વાહનો અટવાયા હતા.
જ્યારે 200 જેટલા વાહનો હજુ પણ અટવાયેલા છે. તેમણે કહ્યું, ‘ગઈકાલે હવામાનની આગાહીના આધારે, સોલાંગ ઘાટીથી અટલ ટનલ સુધી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. 2000 થી વધુ વાહનો ફસાયા હતા, ત્યારબાદ અમે બચાવ કામગીરી શરૂ કરી હતી, જે આજે સવાર સુધી ચાલુ રહી હતી.