ટાટા સ્ટીલે એક એવી ઘોષણા કરી છે જેનાથી કંપનીમાં છટણી થશે તેવા સમાચારોને વેગ આપ્યો છે. કંપનીએ કહ્યુ છે કે તે પૌતાની વૈશ્વિક રણનીતિમાં મોટો ફેરફાર કરતા હવે આગામી ૧૨-૧૮ મહિનામાં દુનિયાભરમાં ૧૧,૫૦૦ કરોડ (આશરે ૧.૩ અબજ ડોલર) રૂપિયા સુધીના ખર્ચમાં કાપ મુકવાની તૈયારીમાં છે. કંપનીના એક્ઝિકયુટીવ ડિરેક્ટર અને સીએફઓ કૌશિક ચેટર્જીએ એક એનાલિસ્ટ કોલમાં જણાવ્યું હતુ કે, આ ખર્ચ કાપ સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવા ખર્ચ પર ધ્યાન આપીને કરવામાં આવશે. તેમણે કહ્યુ કે નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કંપનીએ પહેલેથી જ ૬,૬૦૦ કરોડ રૂપિયાના સંરચનાત્મક ખર્ચમાં કાપ મુકયો છે, જેમાં ફિક્સ્ડ ડિપોઝીટ, ઉત્પાદન કાર્યક્ષમતા, કાચો માલ અને કોલ બ્લેન્ડ ઓપ્ટીમાઇઝેશનનો સમાવેશ થાય છે.
ભારતમાં કંપનીનું ધ્યાન ઓપરેશનલ KPI, સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશન, કર્મચારી ઉત્પાદકતા અને ઓછા વળતરવાળા પ્રોજેક્ટ્સમાં રોકાણ પર છે. આ કારણોસર, ફક્ત અહીં જ ૪,૦૦૦ કરોડ રૂપિયા બચાવવાનું લક્ષ્ય છે. કંપની રૂપાંતર ખર્ચમાં પ્રતિ ટન રૂ. ૧૦૦૦-૧૨૦૦નો ઘટાડો કરવાનો ઇરાદો ધરાવે છે.યુકેમાં ટાટા સ્ટીલ તેના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટમાં ગ્રીન સ્ટીલ ટ્રાન્ઝિશન તરફ આગળ વધી રહી છે. કંપનીનું કહેવું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫માં સ્થિર ખર્ચ ૯૯૫ મિલિયન પાઉન્ડથી ઘટાડીને ૭૬૨ મિલિયન પાઉન્ડ કરવામાં આવ્યો છે અને આગામી લક્ષ્ય તેને ૫૪૦ મિલિયન પાઉન્ડ સુધી ઘટાડવાનું છે. આ માટે, IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, સબસ્ટ્રેટ ખર્ચ નિયંત્રણ અને ડાઉનસ્ટ્રીમ કામગીરીમાં ફેરફાર પર કામ કરવામાં આવી રહ્યું છે.