બે યુવાનના અકાળે મોતથી આખોલ ગામમાં શોકનો માહોલ; ડીસા-આખોલ હાઈવે પર ગત રાત્રિના સુમારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા આખોલ ગામના બે યુવાન બાદરસિંહ દરબાર અને જગુભા દરબારનું કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ખાસ કરીને આખોલ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ડીસા-આખોલ રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે બાઈક પર સવાર બાદરસિંહ અને જગુભા દરબારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક બાદરસિંહ અને જગુભા બંનેની ઉંમર ઘણી નાની હોવાથી આખોલ ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. બે યુવાન જિંદગીઓના અકાળે અંતથી પરિવારજનો અને ગ્રામજનો ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને સ્તબ્ધ કરી દીધો છે.
માર્ગ સલામતી મુદ્દે સવાલો; અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ ચલાવી રહી છે. ઘટનાસ્થળે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.