થરાદની સત્યમનગર સોસાયટીમાં તસ્કરોએ એક જ રાતમાં બે મકાનને નિશાન બનાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગેરેજનો વ્યવસાય કરતા રમેશભાઈ રાજપૂત લગ્નપ્રસંગ માટે પરિવાર સાથે વાંઢીયાવાસ ગયા હતા, તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરમાં હાથફેરો કર્યો હતો.પોલીસ ફરિયાદ મુજબ, રમેશભાઈ 5 ફેબ્રુઆરીથી પરિવાર સાથે લગ્નપ્રસંગમાં ગયા હતા. 7 ફેબ્રુઆરીએ સાંજે 6 વાગ્યે માત્ર ગાડીની આરસી બુક લેવા ઘરે આવ્યા અને પરત ફર્યા હતા. બીજા દિવસે સવારે સાડા આઠ વાગ્યે પડોશી જાલમસિંહ બારોટે ફોન કરીને જાણ કરી કે તેમના ઘરનું તાળું તૂટેલું છે.
તસ્કરોએ લોખંડની તિજોરી તોડીને તેમાંથી 500 ગ્રામની ચાંદીની લગડી (રૂ.25,000), 14 ગ્રામની બે સોનાની વીંટીઓ (રૂ.77,000), બે ચાંદીના છવેટિયા (રૂ.2,000) અને રોકડા રૂ.30,000 મળી કુલ રૂ.1.34 લાખની મતાની ચોરી કરી હતી.એક જ સોસાયટીમાં બીજી ચોરી ઉત્તરપ્રદેશના હરિસિંહ પાલના ભાડાના મકાનમાં થઈ હતી. નોંધપાત્ર બાબત એ છે કે, હરિસિંહ ચોરીના દિવસે જ તેમના વતન જવા નીકળી ગયા હતા. રમેશભાઈ રાજપૂતે થરાદ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આ બંને ચોરીઓની તપાસ શરૂ કરી છે.