મધ્ય પ્રદેશમાંથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેને કારણે ભાજપની આબરૂના ધજાગરા થયા છે. રાજ્યમાં રાજકીય ગરમાટો આવ્યો છે. રાજ્યના મંત્રી સંપતિયા ઉડકે પર જળ જીવન મિશન માટે કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી રકમમાં ગેરરીતિ કરવાનોઆક્ષેપ છે. આ મુદ્દાને લઈને CM મોહન યાદવના આદેશ પર લોક આરોગ્ય યાંત્રિકી વિભાગદ્વારા મંત્રી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ENC સંજય અંધાવને વિભાગના તમામ ઝોનના મુખ્ય એન્જિનિયરોને અને MP જળ નિગમ લિ. ભોપાલના પ્રોજેક્ટ ડિરેક્ટરને પત્ર મોકલ્યો છે. આ તમામ અધિકારીઓને સાત દિવસની અંદર વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. જોકે આ મામલે રાજ્યની મંત્રી સંપતિયા ઉડકે તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.આ તપાસ લાંજીના પૂર્વ ધારાસભ્ય અને સંયુક્ત ક્રાંતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કિશોર સમરીતે દ્વારા ૧૨ એપ્રિલે નોંધાવાયેલી ફરિયાદને આધારે શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે મંત્રીઓ, અધિકારીઓ અને ઠેકેદારોએ ભાગીદારીમાં ભાજપ શાસિત રાજ્યમાં ગ્રામીણ પરિવારોને નળથી પાણી જોડાણ આપવાના કેન્દ્રનાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.તેમની ફરિયાદમાં રાજ્યની જલ પુરવઠા માળખાગત યોજનાઓમાં અનેક અધિકારીઓ અને ઠેકેદારોની ભ્રષ્ટાચારભરી સંડોવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ યોજનામાં ભારત સરકારને ૩૦૦૦થી વધુ નકલી કામ પૂર્ણતા અને ઉપયોગિતા પ્રમાણપત્રો મોકલવામાં આવ્યાં છે, જેને તાત્કાલિક જપ્ત કરવાં જોઈએ.