ચંડીસર જી.આઈ.ડી.સી.માં શંકાસ્પદ ઘીનું ગોડાઉન સીલ

ચંડીસર જી.આઈ.ડી.સી.માં શંકાસ્પદ ઘીનું ગોડાઉન સીલ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડને પગલે વેપારી ફરાર થઇ જતા પોલીસની મદદ લેવાઈ

ઘી બનાવવાનું રો મટેરીયલ કબ્જે લઈ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

બનાસકાંઠા જિલ્લામાં અખાદ્ય ચીજોનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની અવારનવાર બુમરાડો ઉઠે છે. ત્યારે પાલનપુર તાલુકાની ચંડીસર જી.આઇ.ડી.સી.માં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આકસ્મિક રેડ કરી હતી. જેમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ગોડાઉન સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.ચંડીસર જી.આઈ. ડી.સી. માં શંકાસ્પદ ઘી બનતું હોવાની પ્રાથમિક બાતમીના આધારે બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે રેડ કરી હતી.

જેમાં શ્રી સેલ્સ નામની ઘીની પેઢીમાં રેડ કરી ફૂડ વિભાગની ઓફિસરની ટીમે ગોડાઉન સીલ કર્યું હતું. જો કે, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પહોંચે એ પહેલા જ આ શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હતો. દરમિયાન, ફૂડ વિભાગને જીઆઇડીસીમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી જ ઘી બનાવવાનું રો મટેરિયલ અને પેકિંગનું મટીરીયલ પણ મળી આવ્યું હતું. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચંડીસર જી.આઇ.ડી.સી. માં ફેક્ટરીના બે એકમો સીલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું ફૂડ અધિકારી તેજસ પટેલે જણાવ્યું હતું.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જાણ કરતાં પોલીસે ફરાર વેપારીની અટકાયત કરી હતી.જો કે તેને સાથે રાખી રેડની કાર્યવાહી મોડે સુધી ચાલુ રહેવા પામી હતી.ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડના પગલે અખાદ્ય અને ભેળસેળ વાળી ચીજો બનાવતા લેભાગુ વેપારીઓ ફફડી ઉઠ્યા છે.

અગાઉ પણ ફેક્ટરીમાંથી ઘી ઝડપાયું હતું

અગાઉ પણ શ્રી સેલ્સ નામની આ ઘીની ફેક્ટરીના નમુના ફેલ અને સબ સ્ટાન્ડર્ડ થયેલા છે. અગાઉ આ જ વેપારીને ત્યાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 35 લાખનું શંકાસ્પદ ઘી પકડાયું હતું .તે ઘી હજુ ગોડાઉનમાં સીઝ કરેલું હોવાના અહેવાલ સાંપડ્યા છે. ત્યારે ફરી એકવાર રેડ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાખો રૂપિયાનો ઘીનો જથ્થો સીઝ કરવાની સાથે કાયદેસરની  વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *