જિલ્લાના છેવાડાના ગામોમાં 6 ગાડી લીલા ઘાસચારાનું વિતરણ; ઉનાળાની કાળઝાળ ગરમીમાં બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં ઘાસચારા વિના ટળવળતી ગાયો અને અન્ય અબોલ જીવો માટે સુરતનું શાંમળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ દેવદૂત બનીને આવ્યું છે. આ ગ્રુપે પોતાની અનોખી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
બનાસકાંઠામાં લીલા ઘાસચારાનું વિતરણ આજ રોજ, શાંમળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા થરાદ, લાખણી અને દાંતીવાડા તાલુકાના આશરે ૧૫ જેટલા ગામડાઓમાં ભ્રમણ કરીને નિરાધાર ફરતી ૧૦૦૦ થી વધુ ગાયોને ૬ ગાડી ભરીને લીલો ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો. ઉનાળાની આકરી ગરમીમાં જ્યારે ઘાસચારો મળવો મુશ્કેલ છે, ત્યારે આ પ્રવૃત્તિ ગૌમાતાઓ માટે જીવનદાયી સાબિત થઈ છે.
દિવાળીમાં પણ ગૌસેવા ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ (પાવડાસણ)એ ગૌમાતાઓની સેવા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ગ્રુપ ફક્ત ઉનાળામાં જ નહીં, પરંતુ દિવાળીની સિઝનમાં પણ બનાસકાંઠાની જરૂરિયાતમંદ ગૌશાળાઓની રૂબરૂ મુલાકાત લઈને સૂકો ઘાસચારો, ગોળ અને દાણ જેવી આવશ્યક ચીજો પૂરી પાડીને ગૌસેવાનું ઉત્તમ કાર્ય કરે છે.સેવાભાવી યુવાનો અને દાતાઓનો સહયોગ મળે છે. તમામ ગૌસેવક મિત્રો અને દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રુપની આ કામગીરીને ગામડે ગામડે લોકોએ ખૂબ જ બિરદાવી હતી, જે તેમની નિષ્ઠાવાન સેવા ભાવનાનું પ્રતિક છે. શ્રી શાંમળાજી ભગવાન યુવા ટ્રસ્ટ ગ્રુપની આ સેવાકીય પ્રવૃત્તિ ખરેખર પ્રશંસનીય છે અને સમાજમાં અન્ય લોકોને પણ આવા કાર્યો કરવા પ્રેરણા પૂરી પાડે છે.