ન્‍યાયાધીશ વર્મા મામલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર : નવી બેચનું ગઠન કરાશે

ન્‍યાયાધીશ વર્મા મામલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર : નવી બેચનું ગઠન કરાશે

આજે કેસ સીજેઆઇ ગવઇ સામે રજુ કરાયો હતો : જસ્‍ટિસ વર્મા કપિલ સિબ્‍બલ, મુકુલ રોહતગી જેવા વરિષ્‍ઠ વકીલોએ દલીલ કરી

ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ બીઆર ગવઈએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ જસ્‍ટિસ યશવંત વર્મા કેસની સુનાવણી માટે નવી બેન્‍ચ બનાવશે. વાસ્‍તવમાં, યશવંત વર્મા રોકડ કૌભાંડમાં ફસાયેલા છે. તેમના ઘરેથી મોટી રકમ રોકડ મળી આવી હતી, ત્‍યારથી આ કેસ હેડલાઇન્‍સમાં છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલે જસ્‍ટિસ યશવંત વર્મા વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજીનો ઉલ્લેખ કર્યો હતો. આ અરજીમાં, જસ્‍ટિસ વર્માના કેસમાં તાત્‍કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.

ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ બીઆર ગવઈએ આ કેસની સુનાવણી માટે નવી બેન્‍ચ નિયુક્‍ત કરવાની વાત કરી. મુખ્‍ય ન્‍યાયાધીશે એ પણ સ્‍પષ્ટ કર્યું કે તેમને શા માટે સૂચિબદ્ધ કરી શકાતા નથી. બીઆર ગવઈએ કહ્યું કે આ મામલો જસ્‍ટિસ વર્મા સાથે સંબંધિત છે. તેથી, તેમને સૂચિબદ્ધ કરી શકાતા નથી. તમને જણાવી દઈએ કે કપિલ સિબ્‍બલે કહ્યું હતું કે ‘આ તેમના પદભ્રષ્ટ થવા સાથે સંબંધિત છે. અમે શકય તેટલી વહેલી તકે તેને સૂચિબદ્ધ કરવાની વિનંતી કરી રહ્યા છીએ.’સુપ્રીમ કોર્ટમાં જસ્‍ટિસ વર્મા વતી કપિલ સિબ્‍બલ, મુકુલ રોહતગી, રાકેશ દ્વિવેદી, સિદ્ધાર્થ લુથરા અને સિદ્ધાર્થ અગ્રવાલ જેવા વરિષ્ઠ વકીલો દલીલ કરી રહ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું કે પેનલે તેમને ન્‍યાયી સુનાવણીની તક આપ્‍યા વિના પ્રતિકૂળ તારણો કાઢયા. આ સાથે, પેનલ પર પૂર્વગ્રહથી કામ કરવાનો અને પૂરતા પુરાવા વિના તેમના પર આરોપ લગાવવાનો આરોપ મૂકવામાં આવ્‍યો હતો.

દિલ્‍હી હાઈકોર્ટના તત્‍કાલીન ન્‍યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્‍થાનના બહારના ભાગમાં હોળીના દિવસે આગ લાગી હતી. આવી સ્‍થિતિમાં, આગ ઓલવવા આવેલા ફાયર વિભાગના કર્મચારીઓને ત્‍યાં કરોડો રૂપિયાની અડધી બળી ગયેલી રોકડ મળી આવી. આ ઘટના ૧૪ માર્ચ ૨૦૨૫ ના રોજ બની હતી અને આ ઘટના પછી સમગ્ર દેશમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.આ મામલો પ્રકાશમાં આવ્‍યા પછી, તત્‍કાલીન મુખ્‍ય ન્‍યાયાધીશ સંજીવ ખન્નાએ એક આંતરિક તપાસ સમિતિની રચના કરી, જેમાં ત્રણ વરિષ્ઠ ન્‍યાયાધીશોનો સમાવેશ થતો હતો. તપાસ સમિતિએ પોતાના અહેવાલમાં ગંભીર ટિપ્‍પણીઓ કરી અને રાષ્‍ટ્રપતિ અને વડા પ્રધાનને જસ્‍ટિસ વર્મા સામે મહાભિયોગની ભલામણ મોકલી. જસ્‍ટિસ વર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ તપાસ પ્રક્રિયાને પડકાર ફેંકયો છે.

જસ્‍ટિસ વર્માનો આરોપ છે કે તેમને પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવી ન હતી અને તપાસ પૂર્વનિર્ધારિત નિષ્‍કર્ષ તરફ આગળ વધી. તેમણે આરોપ લગાવ્‍યો કે નક્કર પુરાવા વિના તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને તપાસમાં નિષ્‍પક્ષતાનો અભાવ હતો. મુખ્‍ય ન્‍યાયાધીશ બી.આર. ગવઈએ આ સુનાવણીથી પોતાને દૂર કરી દીધા છે અને હવે એક નવી બેન્‍ચ આ સંવેદનશીલ કેસની સુનાવણી કરશે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *