29 દીકરીઓના ધરે જઈ આધાર કાર્ડ કાઢી વ્હાલી દિકરી યોજના અંતર્ગત દીકરીઓના ફોર્મ ભરાયાં; ચાણસ્માના સુણસર ગામે કલેક્ટર અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ બાલિકા પંચાયત સુણસર દ્વારા ગામની ગ્રામપંચાયતમાં એક વર્ષ કરતા નાની દીકરીઓ માટે આધાર કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 29 દીકરીઓના આધાર કાર્ડ કાઢવામા આવ્યા હતા.બાકીની 34 દીકરીઓના ડોક્યુમેન્ટમાં ભૂલ હોવાના કારણે તેમના વાલીઓને સુધારો કરાવી અને આધાર કાર્ડ કઢાવવા માટે જણાવવામાં આવ્યું હતું. કચેરીના સ્ટાફ તેમજ બાલિકા પંચાયતની દીકરીઓ દ્વારા દીકરીઓના વાલીઓને આધાર કાર્ડ નીકળી જાય ત્યારબાદ વ્હાલી દિકરી યોજના અંતર્ગત દીકરીઓના ફોર્મ પંચાયતમાં જ ભરાય છે તો જરૂરી ડોક્યુમેન્ટ ભેગા કરી અને ફોર્મ ભરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તા.25 માર્ચના રોજ પાટણ કલેકટર કચેરી અને મહિલા અને બાળ કચેરીના સંયુક્ત ઉપક્રમે કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે બાલિકા પંચાયતનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાણસ્માના સુણસર ગામની બાલિકાઓ દ્વારા વ્હાલી દીકરી યોજનામાં ફોર્મ ભરવા માટે આધારકાર્ડની જરૂરિયાત હોય અને આવી 63 દીકરીઓના વ્હાલી દીકરીઓના ફોર્મ ન ભરાયા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે કલેકટર દ્વારા તાત્કાલિક ધોરણે એક્શન લઈને બીજા જ દિવસે આધાર કીટ મોકલવાની અને તાત્કાલિક ધોરણે દીકરીઓના આધારકાર્ડ કઢાવીને વ્હાલી દીકરી યોજનાના ફોર્મ ભરાવવા કલેકટર દ્વારા સંલગ્ન વિભાગને સુચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.