મે મહિનો કમોસમી વરસાદ થી બાજરીના પાકની ગુણવત્તાને અસર
બાજરી નો પાક લેવા ખેતરોમાં થ્રેસર ધમધમ્યાં! માવઠાનો માર બાદ ખેડૂતો બાજરી કાઢવામાં પરોવાયા
જિલ્લામાં ઉઘાડ નીકળતાં તાપમાનનો પારો ફરીથી વધવા લાગ્યો; બનાસકાંઠા જિલ્લામાં પાછલા દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા લણણી ની તૈયારી માં રહેલી બાજરી ના પાક ને ઘણા વિસ્તારોમાં ખેડૂતોને નુક્સાન થયું હતું. જો કે ત્યારબાદ આકાશમાંથી વાદળાં હટતાં અને ઉઘાડ નીકળ્યા બાદ તાપમાનનો પારો ફરીથી વધવા લાગ્યો છે. આથી ચોમાસું બેસે તે પહેલાં ખેડૂતો બાજરીનો પાક લેવામાં વ્યસ્ત બન્યા છે વરસાદ પહેલાં ખેડૂતો પાક સુરક્ષિત સ્થાને પહોંચાડવા મથામણ કરી રહ્યા છે.
આ વર્ષે મે મહિનામાં વાતાવરણમાં સતત અસ્થિરતા ને લઇ કમોસમી વરસાદ થવા પામ્યો હતો મે મહિનાના ની શરૂઆત માં કમોસમી વરસાદ થતાં બાજરી સહિતના પાકોને નુક્સાન થયું હતું ત્યારબાદ ફરી પાછા ભારે પવન અને વરસાદના કારણે બાજરીનો ઉભો પાક આડો પડી ગયો હતો. આમ મે મહિનો આખો કમોસમી વરસાદ અને માવઠા ને લઈ જિલ્લામાં વરસાદથી બાજરી, ઘાસચારાને નુક્સાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બાજરીમાં ૨૫થી ૩૦ ટકાવસુધીનું નુકસાન થયાનો અંદાજ ખેડૂતો લગાવી રહ્યા છે. બાજરી પાછળ ખેડૂતોની મહેનત વધી ગઇ છે. દર વર્ષે મે ના અંતમાં તો ખેડૂતો પાક લઈને પરવારી જતા હોય છે. પરંતુ આ વખતે મોટાભાગનો બાજરીનો પાક વારંવારના કમોસમી વરસાદના મારના કારણે લેવાયો ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા બે-ત્રણ દિવસથી આકાશમાંથી વાદળાં હટતાં અને ઉઘાડ નીકળતાં તાપમાનનો પારો ફરીથી વધી રહ્યો છે. આથી ખેડૂતોએ બાજરી કાઢવાની શરૂ કરી છે.
ખેતરોમાં બાજરીનાં થ્રેશરો ધમધમી રહ્યાં છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષે તા. ૧૫ જૂન આસપાસ ચોમાસું આવવા ની શક્યતાઓના પગલે ખેડૂતો પણ દોડધામ કરી રહ્યા છે. વરસાદ પહેલાં બાજરીનો પાક ગોડાઉનો સુધી પહોંચી જાય તેવાં આયોજનો ખેડૂતો કરી રહ્યા છે. નોંધનીય છે કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં બાજરીનું બે લાખ હેક્ટર ઉપરાંત જમીનમાં વાવેતર થયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ ૧૩૫૭૮૮ હેક્ટરમાં બાજરી નું વાવેતર કરેલ છે.
માર્કેટયારડ માં પણ બાજરીની આવક માં વધારો થયો; ડીસા સહિત જીલ્લાના વિવિધ માર્કેટયાર્ડોમાં બાજરી ની આવક વધારો થયો છે. જેમાં શનિવારના રોજ ડીસા માર્કેટ યાર્ડમાં ૫૬૬૬ બોરીની આવક થવા પામી હતી જેમાં પ્રતિ ૨૦ કિલો ના ૪૬૫ થી ૫૫૩ રૂપિયા મળી રહ્યા છે જોકે આગામી સમયમાં હજુ પણ બાજરીની વધુ આવક નોંધાશે.