વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓમાં ૧૩ જિલ્લાઓના ૬૦૦૦ થી વધુ સહભાગીઓ ભાગ લીધો ; પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૨૮ એપ્રિલ થી ૧૦ મે ૨૦૨૫ દરમિયાન બે સમર સાયન્સ કેમ્પ સાથે વૈજ્ઞાનિક જાગૃતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો, સૂર્ય દર્શન, એસ્ટ્રોનોમી, હ્યુમન એનાટોમી,પ્રકાશીય ઉપકરણો જેવા વિષયો પર વર્કશોપ, ક્વિઝ સ્પર્ધા, વકૃત્ત્વ સ્પર્ધા અને ચિત્રસ્પર્ધાનો સમાવેશ થાય છે તથા વિશેષ રૂપે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોસ્ટકાર્ડ લેખન કાર્યક્રમ અને રાષ્ટ્રીય ટેક્નોલૉજી દિવસે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમોમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, અરવલ્લી,સુરત,વડોદરા, અમદાવાદ,ગાંધીનગર અને કચ્છ સહિતના ૧૩ જિલ્લાઓમાંથી ૬૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી બની વૈજ્ઞાનિક અનુભવો પ્રાપ્ત કર્યા હતા. આ સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં રસ અને સક્રિયતા વધે તે હેતુથી પાટણ સાયન્સ સેન્ટર અને ગુજકોસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે “સમર સાયન્સ કેમ્પ ૨૦૨૫” અંતર્ગત ૨૯ એપ્રિલથી ૧૦મે દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ તથા જૈવ વિવિધતા અને પ્રકૃતિ વિષય પર બે સમર કેમ્પ ધોરણ ૬ થી ૧૦ ના ૧૦૩ નોંધાયેલા વિદ્યાર્થીઓ માટે સફળતાપૂર્વક યોજાઇ હતી. જેમાં વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો હિતેશ પંચાલ,નરેન્દ્ર પટેલ, શ્રીમતી ચિત્રા જોશી, વસંતભાઈ રબારી, હેરીશભાઈ પટેલ,આશિષ મોદી અને આશુતોષ પાઠક દ્વારા સહભાગીઓને રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રજાતિ વૈવિધ્યતા, આનુવંશિક વૈવિધ્યતા, પારિસ્થિતિક તંત્ર, આબોહવાની ફેરફાર વગેરે વિશે ખુબ ઊંડાઈપૂર્વક સમજણ આપવામાં આવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યુ કે આ પ્રકારના શૈક્ષણિક કેમ્પો બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવે છે અને તેમને પ્રાયોગિક અભ્યાસ દ્વારા વિજ્ઞાનને સમજવાનો વ્યવહારુ અનુભવ મળે છે.