ડીસામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 16 વર્ષના માનસિક અસ્થિર કિશોરે આત્મહત્યા કરી છે. આ ઘટના મહારાણા પ્રતાપ સરકારી શાળાના પરિસરમાં બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ સગીર અવારનવાર ઘરેથી નીકળી જતો હતો. ગઈકાલે તેણે મહારાણા પ્રતાપ સરકારી શાળાની દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાં એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી.
આ ઘટનાની જાણ સૌપ્રથમ શાળાના બોર ઓપરેટરને થઈ હતી, જેમણે તાત્કાલિક નગરપાલિકાને જાણ કરી. જોકે, નગરપાલિકા પોલીસને બોલાવે તે પહેલાં જ મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃતદેહને નીચે ઉતારી ઘરે લઈ ગયા હતા. બાદમાં, પોલીસે પરિવારજનોને સમજાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનાથી ડીસા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

