મહેસાણા શહેર અને જિલ્લામાં લાઇસન્સ વિનાની અને ગેરકાયદે ચાલતી ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસવડાના આદેશ બાદ ફાયર, પોલીસ અને મામલતદાર સહિતની ટીમે તપાસ અભિયાન શરૂ કર્યું છે. અધિક કલેક્ટરએ જિલ્લાના તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને બે દિવસમાં તપાસ રિપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો છે. આ આદેશના પગલે મહેસાણા એસઓજી, એ ડિવિઝન પોલીસ, ફાયર અને મામલતદારની ટીમે શહેર સહિત તાલુકામાં 10 સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું છે.
તપાસ દરમિયાન શહેરમાં ત્રણ દુકાનોનો પરવાનો 31 માર્ચના રોજ પૂરો થયો હોવાનું જણાયું છે. આ દુકાનોમાં સોનલ ફટાકડા, જય બહુચર ફટાકડા અને સાંઈ ફટાકડાનો સમાવેશ થાય છે. તંત્રએ આ ત્રણેય દુકાનો અને નુગર ગામે આવેલા એક ગોડાઉનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે. નવા પરવાના મળે ત્યાં સુધી આ દુકાનો બંધ રહેશે.સિઝનલ ધોરણે ફટાકડાનો વેપાર કરતી ત્રણ દુકાનો પહેલેથી જ બંધ છે. પાલોદર, પાંચોટ અને હનુમંત હેડુવામાં આવેલા ફટાકડાના ગોડાઉન ફાયર સેફ્ટી અને લાયસન્સ સહિતના તમામ નિયમોનું પાલન કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.