પાટણ શહેરના બગવાડા દરવાજા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસે સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરમાં નાના-મોટા ગુનાઓમાં વાહનોનો ઉપયોગ વધતા પોલીસે આ કાર્યવાહી કરી હતી. પી.આઈ. સહિતના પોલીસ સ્ટાફે બગવાડા દરવાજા પાસે ફોર વ્હીલર અને ટુ વ્હીલર વાહનોનું ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલી કાર અને નંબર પ્લેટ વગરના વાહનો પકડાયા હતા.
પોલીસે કારની બ્લેક ફિલ્મ સ્થળ પર જ દૂર કરાવી હતી. કાર ચાલકોને ૪૦૦ થી ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર ચાલકોને 300 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. પોલીસના આ અચાનક ચેકિંગથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવું પોલીસે જણાવ્યું હતું.