જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.હિતેશ પટેલએ શિક્ષણને ડિજિટલ બનાવવા અને ડેટા આધારિત માહિતી વિશે માર્ગદર્શન આપ્યું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ કર્મચારી મંડળ, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે “શૈક્ષણિક વહીવટી અધિવેશન-૨૦૨૫”નું આયોજન કરાયું હતું. ડીસા એંજલ્સ સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી કિર્તિસિંહ વાઘેલા, સંયુક્ત નિયામક કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર ડૉ. એમ.જી.વ્યાસ સહિત જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ૧૦૦% પરિણામ મેળવનાર શાળાઓ અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આગામી બે મહિનામાં તમામ શિક્ષક ભરતી પૂર્ણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.હિતેશ પટેલએ શિક્ષણને ડિજિટલ બનાવવા અને ડેટા આધારિત માહિતીના મહત્વ પર ભાર મૂક્યો હતો. સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૪૫૦ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને આ અધિવેશનમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠાએ આમંત્રિત મહેમાનો અને શિક્ષકોને કેલેન્ડર, ઉપયોગી શૈક્ષણિક માહિતી કીટ અને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા. સરકારી શિક્ષક સંઘ બનાસકાંઠાની ટીમ દ્વારા અથાક મહેનતથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.