ઇન્ટર્નશિપ માટેના સ્થળની વ્યવસ્થા કરવામાં યુનિવર્સિટી કે કોલેજોએ વિધાર્થીઓને સહકાર આપવો જરૂરી.પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવી શિક્ષણ નીતિ (NEP)ના અમલ હેઠળ આ વર્ષે B.A. અને B.Com.ના સેમેસ્ટર-6 (છેલ્લા વર્ષ)માં અભ્યાસ કરતા અંદાજે 55 હજાર વિદ્યાર્થીઓ માટે એક મોટો અને ફરજિયાત પડકાર આવ્યો છે. કોલેજોએ સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે, 100 માર્કસના ઇન્ટર્નશિપ પેપર માટે દરેક છાત્રે લઘુત્તમ 120 કલાકની (આશરે 17 દિવસ) ઇન્ટર્નશિપ કોઈપણ રજિસ્ટર્ડ કંપની, સરકારી સંસ્થા કે આર્ટ્સ કે કોમર્સ સંબંધિત સેક્ટરમાં પૂર્ણ કરવી પડશે.સૌથી ગંભીર બાબત એ છે કે, જો કોઈ વિદ્યાર્થી ડિસેમ્બર મહિના સુધીમાં આ ઇન્ટર્નશિપ પૂર્ણ કરીને સંસ્થાનું હાજરી અને પ્રમાણપત્ર તેમજ પ્રોજેક્ટ રિપોર્ટ જમા નહીં કરાવે, તો તેનું સેમેસ્ટર-6 નું રિઝલ્ટ સીધું ફેલ જાહેર થશે.
આ બાબતે છાત્રોના વાલીઓએ જણાવ્યું હતું કે ઇન્ટર્નશિપ ફરજિયાત કરી સારી બાબત છે.આ નિર્ણય વિદ્યાર્થીઓને વ્યવહારુ અનુભવ મળશે.પરંતુ સ્થળની વ્યવસ્થા કરવામાં યુનિવર્સિટી કે કોલેજો એ સહકાર આપવો જરૂરી છે.તેમને જે તે સંસ્થાઓ સાથે સંકલન કરી અને વિદ્યાર્થીઓને મોકલવા જોઈએ જેથી તેમને ઇન્ટર્નશિપ માટે સ્થળ નક્કી કરવા માટે સરળતા રહે. કોલેજો દ્વારા ઇન્ટર્નશિપ ફરજિયાત કરી, પરંતુ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટેના જાહેર સ્થળોની યાદી આપી જાતે જ સ્થળ ઉપર જઈ ઇન્ટર્નશિપ માટે સંસ્થાને સંમતિ લેવા ફરજ પાડી છે. કોલેજો ફક્ત એક લેટર આપી દે છે, જેના કારણે સંસ્થામાં જતા ક્યાંક હકારત્મ તો ક્યાંક નકારાત્મક અભિપ્રાય મળતા છાત્રો મૂંઝવણમાં મુકાયા છે.ડિસેમ્બરની ડેડલાઇન માથે હોવાથી, એક તરફ ફાઇનલ વર્ષની પરીક્ષાની તૈયારી અને બીજી તરફ 120 કલાકની ઇન્ટર્નશિપનો બોજ આ બેવડા દબાણ હેઠળ વિદ્યાર્થીઓ હાંફી રહ્યા છે.તેવુ છાત્રોએ જણાવ્યું હતું.
એક કોલેજના આચાર્ય એ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને 46 થી વધુ જાહેર સ્થળો જેવા કે ગ્રામ પંચાયત, આરોગ્ય કેન્દ્ર, પાલિકા અને જાહેર સંસ્થાઓ, શો રૂમ, મોલ જેવા સ્થળની યાદીઆપી દેવામાં આવી છે.તેમને જે અનુકૂળ આવે નજીકના સેન્ટર સાથે સંકલન કરી અમને સ્થળ આપે તો તેમને કોલેજ તરફથી ઇન્ટર્નશિપ માટેનો લેટર ઇસ્યુ કરવામાં આવે છે.કોલેજ કોઈપણ સંસ્થામાં બાળકોને ઇન્ટર્નશિપ માટે મૂકી દે તો તેમને અનુકૂળ ના આવે અથવા તેમના સબ્જેક્ટ અનુકૂળ ના હોય તો પ્રશ્ન ઊભા થઈ શકે છે માટે તેમને પસંદગી ના સ્થળ ઉપર ઇન્ટર્નશિપ કરવા છૂટ અપાઇ છે.તેમાં તેમને તેનો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરવાનો છે.

