આરટીઓ ઇન્સ્પેક્ટરો ની હડતાળ; પાલનપુર આરટીઓ કચેરીની કામગીરી ઠપ્પ, સરકાર તરફથી બાંયધરી

આરટીઓ ઇન્સ્પેક્ટરો ની હડતાળ; પાલનપુર આરટીઓ કચેરીની કામગીરી ઠપ્પ, સરકાર તરફથી બાંયધરી

જિલ્લાભરના અરજદારોને ધરમ ધક્કા; પડતર પ્રશ્નોને લઈને રાજ્યભરના આરટીઓ ઇન્સ્પેક્ટરોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે પાલનપુર ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટરોની હડતાળને પગલે આરટીઓ કચેરીની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જેને પગલે જિલ્લાભરમાંથી આવેલા અરજદારોને ધરમ ધક્કો ખાવાનો વારો આવતા તેઓ નિરાશ વદને પરત ફર્યા હતા.

વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈને આરટીઓ ઇન્સ્પેક્ટર્સ હડતાળ પર ઉતરતા આખા રાજ્યમાં આરટીઓની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. આરટીઓ ઇન્સ્પેક્ટર પડતર માંગણીઓને લઈને એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. તેઓની એક દિવસની હડતાળના લીધે આજે લોગ ઇન જ કર્યુ ન હતુ. જેના લીધે પાલનપુર આરટીઓ કચેરીની કામગીરી ખોરંભે ચડતા આરટીઓ કચેરીમાં જિલ્લાભરમાંથી આવેલા અરજદારોને રીતસરનો ધરમધક્કો પડ્યો હતો.

પાલનપુર આરટીઓ કચેરીમાં સન્નાટો; પાલનપુર આરટીઓ કચેરી સામાન્યતઃ અરજદારોથી ઉભરતા ધમધમતી હોય છે. જોકે, પડતર માંગણીઓને લઈને આરટીઓ ઇન્સ્પેક્ટરોની હડતાળને પગલે રોજબરોજ ધમધમતી પાલનપુર આરટીઓ કચેરીમાં સન્નાટો જોવા મળ્યો હતો. આરટીઓ ઇન્સ્પેક્ટરોની હડતાળને પગલે કચેરીનું કામ કાજ ખોરવાતા કચેરીમાં સોપો પડી જવાની સાથે હળતાળથી અજાણ અરજદારોને વીલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.

આખરે…હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ; મોટર વાહન વિભાગના ટેક્નિકલ સ્ટાફના અધિકારીઓ લાંબા સમયથી વિવિધ માંગણીઓ મુદ્દે સચિવથી લઇને રાજ્યના આરટીઓ કમિશનર સુધી કેટલીય વખત લેખિત અને મૌખિક ફરિયાદો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને પ્રોબેશન, બઢતી, અનિયમિત બદલીઓ, સાત દિવસ સુધી સતત નાઇટ ડ્યુટી જેવા વિવિધ મુદ્દે અધિકારી ઓએ ઉકેલની માગણી કરી હતી. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી માગણીઓ કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતાં આખરે બ્રહ્માસ્ત્ર તરીકે અધિકારીઓએ સોમવારે હડતાળનું એલાનની જાહેરાત કરી હતી.

સરકાર તરફથી બાંયધરી; રાજ્યભરમાં RTOના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા બાદ જે અરજદારોએ એપોઈન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *