ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર ગત રાત્રી એ રસાણા ગામ નજીક રખડતા આખલાના કારણે વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં દૂધના પાઉચ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી, જ્યારે તેની પાછળ આવી રહેલી સ્વિફ્ટ કાર પણ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રસાણા ગામ પાસે હાઈવે પર અચાનક એક આખલો આવી જતા દૂધ ભરેલી ટ્રકના ચાલકે તેને બચાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ જ સમયે ટ્રકની પાછળ આવી રહેલી એક સ્વિફ્ટ કાર પણ ટ્રક સાથે અથડાઈ હતી, જેના કારણે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારમાં સવાર ડીસાના બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતા જ ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અને આવશ્યક મશીનરીના અભાવે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકોને વધુ સારવાર માટે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
અકસ્માતની આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. વાહનચાલકોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મસમોટો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ વાહનચાલકોને સુરક્ષા અને સલામતી આપવામાં તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે પર રખડતા પશુઓને કારણે રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
ડીસા સિવિલ હોસ્પિટલની કથળતી હાલત : દર્દીઓ પર આર્થિક ભારણ
ડીસા પંથકમાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે જિલ્લાની સૌથી મોટી ડીસા સિવિલ હોસ્પિટલની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. અકસ્માત જેવી ઈમરજન્સી પરિસ્થિતિઓમાં સીટી સ્કેન કે ડિજિટલ એક્સ-રે જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ નથી. એટલું જ નહીં, રાત્રિ દરમિયાન પણ તબીબો હાજર જોવા મળતા નથી, જેના કારણે ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડે છે. સીટી સ્કેન, ડિજિટલ એક્સ-રે અને આઈસીયુ જેવી સુવિધાઓ માટે પણ તેમને ખાનગી સંસ્થાઓનો આશરો લેવો પડે છે.
ખાનગી હોસ્પિટલોમાં ઉઘાડી લૂંટનો આક્ષેપ
ડીસા શહેરમાં અકસ્માત જેવી ઈમરજન્સીમાં ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાસ કરીને સીટી સ્કેન, એક્સ-રે અને આઈસીયુમાં દાખલ કરવામાં આવે ત્યારે મરજી મુજબના બિલો આપી દેવામાં આવે છે અને દર્દીના સગાંઓને હોસ્પિટલ તરફથી બિલ પણ આપવામાં આવતા નથી. આઈસીયુમાં દર્દીને લાવ્યા બાદ, આઈસીયુના તબીબો સીટી સ્કેન અને એક્સ-રે કરાવવા માટે પોતાની લાગવગવાળી જગ્યાએ મોકલી આપે છે, જેમાં પણ કમિશન પ્રથા ચાલતી હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે.

