ચોરાયેલા આભૂષણો પરત મળ્યા બાદ માતાજીના મંદિરમાં અર્પણ કરાયા, શીતળા માતાજી મંદિરમાંથી ચોરાયેલા આભૂષણો પૈકી 400 ગ્રામ ચાંદી અને 40 ગ્રામ સોનાની લગડી પરત મળી
બનાસકાંઠાના ડીસા નજીકના કૂંપટ ગામે શોભતું શીતળા માતાજીનું મંદિર આ વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દર વર્ષે ફાગણ વદ સાતમના દીવસે આ મંદિરે મેળો ભરાય છે. વર્ષના અન્ય દિવસો દરમ્યાન પણ અનેક દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે વર્ષ 1988 માં શીતળા માતાજીના મંદિરમાંથી માતાજીના વિવિધ આભૂષણોની ચોરી થવા પામી હતી. આ ચોરીનો 38 વર્ષ બાદ ન્યાય મળતા કોર્ટના આદેશથી ચોરી થયેલા આભૂષણો કુપટ ગ્રામજનોને પરત મળ્યા છે. આ આભૂષણો વાજતે ગાજતે મંદિરમાં પરત લવાતાં ભાવિકોમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધાનો સાગર છલકાયો હતો.
આ બનાવની વિગતો આપતા કુપટ ગામ અને આ કેશ ના વકીલ રજુસિગ સોલંકી એ જણાવ્યું હતું કે ડીસા તાલુકાના કૂંપટ ગામમાં આવેલા શીતળા માતાજીના મંદિરમાં વર્ષ 1988 માં પૂજારીની હત્યા કરી માતાજીના આભૂષણો સહિત છતરોની ચોરી કરવાની સનસનીખેજ ઘટના બની હતી. આ બનાવ સંદર્ભે જે તે વખતે પોલીસ દફતરે ગુનો પણ નોંધાયો તો પરંતુ હત્યારા તસ્કરોની કોઈ ભાળ મળી નહોતી. જોકે વર્ષ ૨૦૧૬ માં ધોળકા ધંધુકા બાજુથી ઝડપાયેલા ચોરોએ ડીસા તાલુકાના કુપટ ગામમાં શીતળા માતાજીના મંદિરમાં ચોરી કરી હોવાની કબુલાત કરતાં પોલીસે શીતળા માતાજીના મંદિરમાંથી ચોરાયેલ આભૂષણો જે સોનીને વેચાણ કર્યા હતા તેની પૂછપરછ કરતાં સોનીએ આ આભૂષણો ગાળી દઈ તેની લગડી બનાવી દીધી હોવાની વિગતો ખુલવા પામતાં પોલીસે ૪૦૦ ગ્રામ ચાંદી અને ૪૦ ગ્રામ સોનાની લગડી કબજે કરી હતી.
દરમ્યાન, કુપટ ગામના રહીશોએ લાલભારથી ગૌસ્વામીને અરજદાર બનાવી મારી મારફત નીચલી કોર્ટમાં કેસ દાખલ કરતાં કોર્ટના આદેશ બાદ પોલીસે પણ હકારાત્મક અભિગમ અપનાવતાં કુપટના શીતળા માતાજીના મંદિરમાંથી થયેલી ચોરીનો ૩૮ વર્ષ બાદ ન્યાય મળ્યો છે. માતાજીના આભૂષણોની સોના અને ચાંદીની લગડીઓ પોલીસ સ્ટેશનમાંથી સુપરત કરાતા કુપટ ગામના સરપંચ બકુસિહ સોલંકી પુર્વ ડેલીકેટ ગુણવંતસિંહ સોલંકી સહિત ગ્રામજનો કુપટ ગામમાં લઈ ને આવતા વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને આભૂષણોને મંદિરમાં અર્પણ કરવા માં આવતા ખુશી વ્યક્ત કરી હતી.
મેળા ટાંણે જ આભુષણો પરત મળતા ગામમાં ખુશીનો માહોલ; કુપટ ગામના સરપંચ બકુસિહ સોલંકીએ કહ્યું હતું કે દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે કુપટ શીતળા માતાના મંદિરે મેળો ભરાય છે. ત્યારે આ વર્ષે ભરાનાર મેળાના ગણતરીના દિવસો પૂર્વે જ 38 વર્ષ બાદ ચોરીનો ભેદ ઉકેલાતાં ગ્રામજનો સહિત અન્ય ભાવિકોની માતાજી પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થયો છે અને ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.
૩૮ વર્ષ બાદ પરત મળેલા આભૂષણોને ગ્રામજનોએ વાજતે ગાજતે વધાવી લીધા; કુપટ ગામના પૂર્વ ડેલીકેટ ગુણવંતસિંહ સોલંકીએ આ મામલે કહ્યું હતું કે કોર્ટના હુકમ બાદ પોલીસે માતાજીના મંદિરમાંથી ચોરાયેલ આભૂષણોની સોના ચાંદી ગ્રામજનોને પરત કરી છે. આ વસ્તુઓ ગામમાં પરત આવતા ગામલોકો વાજતે ગાજતે આભૂષણોને વધાવવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ આભુષણો મંદિરમાં પરત મુકાયા છે.