રાજકોટમાં ચોરી કરીને ભાગેએ પહેલાં દબોચ્યા: ગાંધીગ્રામ પોલીસ તેમજ એલસીબી ઝોન 2 ટીમ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી રાજકોટ શહેરના માધાપર ચોક નજીક ગાંધી સોસાયટીમાં વેપારીના બંધ મકાનમાંથી 7.22 લાખની ચોરીના ગુનામાં રાજકોટ એલસીબી ઝોન 2ની ટીમે આરોપી બંટી બબલીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્ર અને બેંગલુરુમાં 28 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં પ્રથમ વખત જ પોતાની પ્રેમિકાની સાથે ચોરીને અંજામ આપી નાસી છૂટે એ પહેલાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. તેની પાસેથી સોના ચાંદીના દાગીના, વિદેશી કરન્સી સહિત કુલ રૂપિયા 17.95 લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે આવેલી ગાંધી સોસાયટી શેરી નંબર 6માં રહેતા વ્હોરા વેપારી ખોજીમભાઈ ફિદાહુસૈન ભારમલ તેમના પરિવાર સાથે વિયેતનામ ફરવા માટે ગયા હતા.
આ પછી ઘરે આવી જોતાં તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને ઘરમાંથી સોના–ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ રૂપિયા 30 હજાર સહિત રૂપિયા 7.22 લાખની મતા ચોરી કરી થયા અંગેની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ હતી. એના આધારે ગાંધીગ્રામ પોલીસ તેમજ એલસીબી ઝોન 2 ટીમ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી ફૂટેજ તપાસી ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારે તપાસ હાથ ધરી હતી. રાજકોટ શહેર એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા બંટી–બબલીને ઝડપી પાડ્યા હતા.
પોલીસે આ કેસમાં મહારાષ્ટ્રના એક યુવક અને બેંગલુરુની એક યુવતીને પકડી પાડી, તેનું નામ પૂછતાં અજિત શિવરાય ધનગર અને નિગમ્મા ટિપ્પન્ના એમેટી જણાવ્યું હતું, જેમની અંગ જડતી લેતાં તેમની પાસેથી ચોરી કરેલા દાગીના અને વિદેશી કરન્સી મળી કુલ રૂપિયા 17.95 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.