મહેસાણા જિલ્લાના આખજ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂપિયા 27.22 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 172 વિકાસલક્ષી કામોનું ઈ-લોકર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીની સાથે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત તમામે પોતાના સ્થાન પર ઊભા રહીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ પ્રયત્નશીલ છે અને રાજ્ય સરકાર પણ ગ્રામ્ય સ્તર સુધી વિકાસ પહોંચે તે માટે સતત કામ કરી રહી છે.

