બનાસકાંઠા જિલ્લામાં આર્થિક પેકેજનો વિરોધ
જિલ્લા ડાયમંડ એસોસીએશનના પ્રમુખે આર્થિક પેકેજને ગુમરાહ કરનારું ગણાવ્યું
બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં હાલ 4000 હજાર જેટલા હીરાના કારખાના છે.જેમાં અંદાજે 20000 હજાર જેટલા કારીગરો કામ કરી રહ્યાં છે.પરંતુ છેલ્લા એક વર્ષથી હીરા ઉદ્યોગમાં મહામંદીનું મોજું ફરી વળતાં હીરા ઉદ્યોગ હાલક ડોલક થઈ ગયો છે.જેથી અનેક કારીગરો અન્ય ધંધા તરફ વળ્યાં છે.અનેક લોકોને રોજગાર આપતા હીરા ઉદ્યોગમાં મંદીનો માર પડવાથી બનાસકાંઠા સહિત રાજ્યભરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતાં તેઓએ કેબિનેટમાં ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લઈને આર્થિક પેકેજ આપવાની બાંહેધરી આપી હતી.આખરે આજે શનિવારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બેરોજગાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.જો કે બનાસકાંઠા ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારે રાજ્ય સરકારના આ નિર્ણયને રત્ન કલાકારોને ગુમરાહ કરનારું પેકેજ ગણાવ્યું છે.
મહા મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગને પાટા પર લાવવા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રત્ન કલાકારોના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ 13,500 સુધીની માફ કરવામાં આવશે. જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9℅ ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તથા વીજ ડ્યુટીમાં એક વર્ષ સુધી રાહત અપાશે.પણ નાના ઉદ્યોગો માટે અઢી કરોડથી ઓછું રોકાણ હોય અને વર્ષ 2021 થી 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાની શરત રાખી છે.વળી,જે એકમો 31.3.2025 પહેલાં ઉદ્યોગ વિભાગમાં રજીસ્ટર હોય તેને જ લાભ મળશે.
આ બાબતે બનાસકાંઠા ડાયમંડ એસોશિયેશનના પ્રમુખ અમરતભાઈ ફોસીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જે આર્થિક પેકેજની જાહેરાત કરી છે.તેમાં એક વર્ષ માટે જે બેકાર રત્ન કલાકાર છે.તેને એક વર્ષ માટે તેના બાળકને 13,500 શિક્ષણ ફી તેના એકાઉન્ટમાં જમાં કરવામાં આવશે.પણ એની વ્યાખ્યા શું ? સરકાર બેકાર કોને ગણે છે ? એ અમારે સમજવું પડશે.કારખાનેદાર માટે જેને લોન જ નથી લીધી એને શુ ફાયદો ? ત્યાં પણ ગુમરાહ કરવાની વાત છે વીજ ડ્યુટીની પણ વ્યાખ્યા શુ કરવી ? એટલે આ ગુમરાહ કરતું પેકેજ છે.હકીકતમાં રત્ન કલાકારોને અમારી ઈચ્છા એવી હતી પેકેજમાં કારખાનેદાર ને કશું ના આપો તો ચાલશે પણ એક એક રત્ન કલાકારને આની સહાય મળવી જોઈએ. અત્યારે દરેક રત્ન કલાકાર દુઃખી છે. કારણ કામ તો એને મળે છે.પરંતુ 50 ટકા કામ મળે છે એટલે સરકાર એને બેકાર તો ગણતી નથી.તો બેકાર કોને ગણવા ? આ બિલકુલ ગુમરાહ કરતો નિર્ણય છે.હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આ નિર્ણય બરોબર નિર્ણય નથી. ફરી એસોશિયેશનના પ્રમુખોને બોલાવો. અગાઉ અમે જે રજુઆત કરી હતી તેના અનુસંધાને કોઈ નિર્ણય લેવાયો નથી.તેમ ઉમેરી તેમણે પેકેજનો વિરોધ કર્યો હતો.