ડીજીપીએ મંદિરના શીખરે ધજા રોહણ કર્યુ
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ડૉ. કે.એલ.એન. રાવે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી, જ્યાં અંબાજી સર્કિટ હાઉસ ખાતે બનાસકાંઠા પોલીસ દ્વારા તેમને સન્માનપૂર્વક ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે દ્વારા ડીજીપી ડૉ. રાવ અને કચ્છ-ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાનું પુષ્પગુચ્છ, ખેસ તથા નોટબુક આપી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ડીજીપીએ સહપરિવાર મંદિર પહોંચી મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું, જ્યાં મંદિર ટ્રસ્ટના બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું અને પૂજારીએ કુમકુમ તિલક કરી, માથે માતાજીની પાવડી મૂકી ચુંદડી અર્પણ કરી હતી. ભક્તિભાવ સાથે ડીજીપીએ મંદિરના શિખરે પરંપરાગત વિધિ મુજબ ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.
આ મુલાકાત આસ્થાની સાથે વહીવટી દૃષ્ટિએ પણ અત્યંત મહત્વની રહી હતી, કારણ કે દર્શન બાદ ડીજીપીએ અંબાજી સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ‘વન ડે રિવ્યુ બેઠક’ યોજી હતી. આ બેઠકમાં તેમણે બનાસકાંઠા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ખાસ કરીને સરહદી સુરક્ષાના સંવેદનશીલ પાસાઓ અંગે ગહન સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ડીજીપીએ જણાવ્યું હતું કે, આજે મા અંબેના દર્શન કરી ખૂબ શાંતિ અને ધન્યતાનો અનુભવ થયો છે, સાથે જ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક પણ કરવામાં આવી છે.



