17 વર્ષે ક્રિકેટમાં ડેબ્યુ કરનાર યુવરાજ 40 વર્ષે પિતા બન્યો

Sports
Sports

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પુત્રનો પિતા બન્યો છે. 40 વર્ષીય યુવરાજે મંગળવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ જાણકારી પોતાના ચાહકો સાથે શેર કરી હતી. યુવરાજે આ સારા સમાચારને પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરવાની સાથે દરેકને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી પણ કરી હતી.

યુવરાજે ટ્વીટ કર્યું, “અમારા તમામ ચાહકો, કુટુંબીજનો અને મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આજે ભગવાને અમને એક બાળકના આશીર્વાદ આપ્યા છે. અમે આ આશીર્વાદ માટે ભગવાનનો આભાર માનીએ છીએ અને અમારા બાળકનું વિશ્વમાં સ્વાગત કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે તમે અમારી પ્રાઈવસીનું સન્માન કરશો.”

સ્ટાર બેટ્સમેને યુવરાજે 2012માં કેન્સરની બીમારીમાંથી સાજા થયા પછી નવેમ્બર 2015માં બ્રિટિશ નાગરિક હેઝલ કીચ સાથે સગાઈ કરી અને એક વર્ષ પછી નવેમ્બર 2016માં બંને લગ્નના બંધનમાં બંધાયાં હતાં.

યુવીના નામથી પ્રખ્યાત યુવરાજ સિંહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી શાનદાર રહી હતી. તેણે તેની 17 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 402 મેચ રમી અને આ દરમિયાન તેણે 11778 રન બનાવ્યા હતા. યુવરાજે આ દરમિયાન 17 સદી અને 71 ફિફ્ટી પણ ફટકારી હતી. તેણે બોલિંગમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું અને 148 વિકેટ ઝડપી હતી. યુવરાજ વન-ડે ક્રિકેટમાં સાત મેન ઓફ ધ સિરીઝનો પુરસ્કાર પણ જીત્યો હતો. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે ભારતીય ટીમે 2011નો વર્લ્ડ કપ પણ જીત્યો હતો. ત્યારે યુવીએ 350થી વધુ રન બનાવ્યા હતા અને 15 વિકેટ લીધી હતી.

યુવરાજે વર્ષ 2000માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યાર બાદ તેણે 2019માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.