બાંગ્લાદેશ શ્રેણી પહેલા આ ખેલાડી થયો બહાર ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4 ડિસેમ્બરથી ત્રણ મેચની ODI સિરીઝ શરૂ થશે જેમાં ભારતીય ટીમને શરૂઆત પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. અહેવાલ મુજબ પ્રેક્ટિસ દરમિયાન શમીને હાથમાં ઇજા થઇ છે.
ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર છે. ત્યાં ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. વનડે શ્રેણી 4 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. જેમાં મોહમ્મદ શમી ODI અને ટેસ્ટ બંને ટીમોનો ભાગ હતા અને તે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં પેસ બોલરનું નેતૃત્વ કરવા માટે તૈયાર હતા. એવામાં જ ભારતીય ટીમ માટે માઠા સમાચાર આવ્યા કે, શમી આ પ્રવાસમાં ભારતીય ટીમ સાથે જોડાઈ શકશે નહિ.
ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પછી પ્રેક્ટિસ ફરી શરૂ કરી હતી. તે દરમિયાન શમીને હાથના ભાગમાં ઇજા થઇ હતી. તે કારણે તેમને NCAમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને તે 1 ડિસેમ્બરે ટીમ સાથે બાંગ્લાદેશના પ્રવાસમાં જોડાયા નથી.
ટેસ્ટ શ્રેણીમાંથી પણ બહાર થઈ શકે છે
જો કે, શમીની ઈજા ગંભીર બનશે તો તે 14 ડિસેમ્બરથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ ભાગ લઈ શકશે નહીં. અહેવાલ અનુસાર, ત્રણ વન-ડેમાં શમીની ગેરહાજરી ચોક્કસપણે એક માઠા સમાચાર છે, પરંતુ સૌથી મોટી ચિંતા ટેસ્ટ શ્રેણીની છે જ્યાં તેને જસપ્રિત બુમરાહની ગેરહાજરી તો છે જ પણ તેના સ્થાને આવેલા શમીની ઇજા પણ એક ખરાબ પરિબળ ભારતીય ટીમ માટે બની શકે છે.
આ બોલર શમીનું સ્થાન લેશે
મોહમ્મદ શમી ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેના સ્થાને હવે ઉમરાન મલિકને રિપ્લેસમેન્ટ તરીકે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેની જાણકારી બીસીસીઆઈએ ટ્વીટ કરીને આપી છે. તાજેતરમાં જ ઉમરાન મલિક ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે વનડેમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ઉમરાને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 2 વિકેટ ઝડપી હતી.