ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો
આખરે બંને બોર્ડ હાઇબ્રિડ મોડલ પર સહમત થયા: ઘણા મહિનાઓથી જેની રાહ જોવાતી હતી તે ક્ષણ આખરે આવી ગઈ છે. આગામી વર્ષે યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન દ્વારા થવાનું છે, જેના માટે ભારતીય ટીમે પાકિસ્તાનની ધરતી પર પગ મૂકવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી BCCI અને PCB વચ્ચે ઘણા મહિનાઓ સુધી ખેંચતાણ ચાલી હતી અને હવે આખરે બંને બોર્ડ હાઇબ્રિડ મોડલ પર સહમત થયા છે બની ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને સત્તાવાર જાહેરાત કરી છે. ICC અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનમાં અને તટસ્થ સ્થળે રમાશે
ICCએ માહિતી આપી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જો કે, ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો કયા દેશમાં અને કયા સ્થળે રમશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે પરંતુ સ્થળો અંગેની અનિશ્ચિતતાને કારણે ટૂર્નામેન્ટનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. નોંધનીય છે કે આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લેશે, તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક જૂથમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.
ચાહકો હવે શેડ્યૂલની રાહ
ICCની સત્તાવાર જાહેરાત સાથે, ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે અને હવે ચાહકો ટૂર્નામેન્ટના શેડ્યૂલની રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ક્યારે અને ક્યાં રમાશે. જો કે દુબઈમાં બંને ટીમો વચ્ચે ટક્કર થાય તેવી સંભાવના છે.