સિંધુ અને શ્રીકાંતનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

Sports
Sports

ભારતની ડિફેન્ડિંગ પી.વી .સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં શાનદાર દેખાવ કરતાં થાઈલેન્ડની ચોચુવોંગને સીધી ગેમ્સમાં ૨૧-૧૪, ૨૧-૧૮થી હરાવીને વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન કિદામ્બી શ્રીકાંતે ચીનના લુ ગ્યુંએંગ ઝુને ૨૧-૧૦, ૨૧-૧૫થી હરાવીને અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતુ. હવે ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ ખેલાડી સિંધુનો મુકાબલો વર્લ્ડ નંબર વન તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે થશે. જ્યારે શ્રીકાંત નેધરલેન્ડના માર્ક કૅલ્જોવ સામે ટકરાશે.

વર્લ્ડ રેન્કિંગમાં સાતમો ક્રમાંક ધરાવતી ભારતીય બેડમિંટન સ્ટારે તેની થાઈલેન્ડની હરિફ સામે પ્રભુત્વસભર જીત હાંસલ કરી હતી. તેણે માત્ર ૪૮ મિનિટમાં જ જીત હાંસલ કરી હતી. આ જીતની સાથે સિંધુએ ચોચુવોંગ સામેની હારના સિલસિલાનો અંત આણ્યો હતો. બંને વચ્ચે રમાયેલી ૮ માંથી પાંચ મેચ સિંધુ જીતી છે. જ્યારે ત્રણ ચોચુવોંગના  નામે રહી છે.

સિંધુએ અગાઉ ચોચુવોંગ સામે મળેેલી સળંગ બે હારનો બદલો પણ સિંધુએ લઈ લીધો છે. તે અગાઉ વર્લ્ડ ટુર ફાઈનલ્સની ગૂ્રપ મેચમાં અને ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ચોચુવોંગ સામે હારી હતી. તાઈ ત્ઝુ યિંગે સ્કોટલેન્ડની ક્રિસ્ટી જીલ્મોરને ૨૧-૧૦, ૧૯-૨૧, ૨૧-૧૧થી હરાવીને આગેકૂચ કરી હતી.

સિંધુએ ચોચુવોંગ સામે શરૃઆતમાં જ ૫-૧થી સરસાઈ મેળવી લીધી હતી. જોકે થાઈ હરિફે વળતો પ્રહાર કરતાં સિંધુની સરસાઈ ૧૦-૯થી એક જ પોઈન્ટની રહી ગઈ હતી. જે પછી સિંધુએ ફરી તેની રમત સુધારતાં જીત હાંસલ કરી લીધી હતી. બીજી ગેમમાં પણ સિંધુએ સારી શરૃઆત કરતાં ૩-૦થી લીડ મેળવી લીધી હતી. જે પછી તેણે સરસાઈને વધારતા ૧૧-૬ કરી નાંખી હતી. થાઈ હરિફના સંઘર્ષને પગલે ફરી એક વખત સિંધુની સરસાઈ ૧૯-૧૮ની જ રહી ગઈ હતી.  મેચના આ નિર્ણાયક તબક્કે સિંધુએ પકડ જાળવી રાખી હતી અને આખરે ૨૧-૧૮થી વિજય મેળવતા મેચ પણ જીતી લીધી હતી. સિંધુને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી. જે પછી તેણે બીજા રાઉન્ડમાં સ્લોવેકિયાની માર્ટિના રાપિસ્કાને હરાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.