![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/013-1.jpg)
સ્ક્વોશ વર્લ્ડકપમાં ભારત અને મલેશિયા વચ્ચે સેમિ ફાઈનલ
ઘરઆંગણે ચેન્નાઈમાં ચાલી રહેલા વર્લ્ડ સ્કવોશ ફેડરેશનના વર્લ્ડકપમાં ભારતે ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ જીતીને સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે સેમિ ફાઈનલમાં ભારતની ટક્કર મલેશિયા સામે થશે.ભારત આ પહેલીવાર પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. જ્યારે જાપાનની ટીમની ટક્કર ઈજીપ્ત સામે થવાની છે.
સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ તમિલનાડુ અને વર્લ્ડ સ્ક્વોશ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા સ્ક્વોશના વર્લ્ડકપમાં ભારતે તેની ગ્રૂપની આખરી મેચમાં જાપાનની સામે ૩-૧થી જીત હાંસલ કરી હતી. મિક્સ ટીમ ઈવેન્ટમાં ભારતે અગાઉ હોંગ કોંગ ચાઈના અને સાઉથ આફ્રિકાને ૪-૦થી હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતુ.
જાપાન સામેની આખરી લીગ મેચમાં અભય સિંહ તોમાતાકો ઈન્ડો સામે ૬-૭, ૬-૭, ૨-૭થી હાર્યો હતો. જોકે જોશના ચિનપ્પાએ ૨-૭, ૭-૪, ૩-૭, ૭-૫, ૭-૫થી સાતોમી વાટાનાબુને, સૌરવ ઘોષાલે ૭-૬, ૬-૭, ૭-૪, ૩-૭, ૭-૫થી રિઉનોસુકે ત્સુકુઈને અને તન્વી ખન્નાએ આકારી મિડોરિકાવાને ૭-૪, ૭-૧, ૭-૧થી હરાવીને ભારતની જીત નિશ્ચિત કરી હતી.