રઝાની લડાયક સદી એળે ગઈ, ભારતનો ૧૩ રનથી વિજય

Sports
Sports

નવીદિલ્હી, ઝિમ્બાબ્વેના બેટ્‌સમેન સિકંદર રઝાની આક્રમક સદી છતાં ભારત સામેની ત્રીજી વન-ડેમાં તેનો ૧૩ રને પરાજય થયો હતો. ભારતે અગાઉ બે વન-ડે જીતીને શ્રેણી પોતાના નામે કર્યા બાદ ત્રીજી વન-ડેમાં પણ વિજય મેળવીને યજમાન ઝિમ્બાબ્વેની ટીમના ૩-૦થી સૂપડાં સાફ કરી નાંખ્યા હતા. હરારે ખાતે અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતે નિર્ધારિત ઓવરમાં આઠ વિકેટે ૨૮૯ રન કર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેએ મક્કમ લડત આપી હતી અને સમગ્ર ટીમ ૨૭૬ રનમાં ઓલઆઉટ થતાં જીતથી હાથવેંત છેટું રહ્યું હતું. શુભમન ગિલે ૧૩૦ રનની વિસ્ફોટક સદી ફટકારી હતી.

ગિલની વન-ડેમાં સૌપ્રથમ સદી રહી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ત્રણ મેચમાં તેણે કુલ ૨૪૫ રન કર્યા હોવાથી તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ રહ્યો હતો. ભારતના ૨૯૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમની શરૂઆત કંગાળ રહી હતી. ૧૨૦ રનમાં ચાર વિકેટ ગુમાવતા ત્રીજી વન-ડેમાં યજમાન ટીમનો પરાજય નિશ્ચિત હતો. પાંચમાં ક્રમે રમવા ઉતરેલા સિકંદર રઝાએ રંગ રાખ્યો હતો અને ભારત સામે પ્રથમ સદી ફટકારતા ૯૫ બોલમાં ૧૧૫ રન કરી આઉટ થયો હતો. બ્રાડ ઈવાન્સે પણ ૨૮ રન કરી તેનો સાથ આપ્યો હતો. ટોચના ક્રમના બેટ્‌સમેન કાઈતાનો ૧૩ રન કરી જ્યારે કાઈઆ છ રન કરી પેવેલિયન પરત ફર્યા હતા.

વિલિયમ્સે ૪૫ રનની ઈનિંગ રમી હતી અને તે અક્ષર પટેલની ઓવરમાં લેગ બિફોર આઉટ થયો હતો. કેપ્ટન ચકાબ્વા (૧૬) અને રાયન બર્લ (૮) મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયા હતા. શાર્દુલ ઠાકુરે ૪૯મી ઓવરમાં રઝાને આઉટ કરતા ઝિમ્બાબ્વેના હાથમાંથી જીતની બાજી સરકી ગઈ હતી. અંતિમ ઓવરમાં ઝિમ્બાબ્વેને જીત માટે ૧૫ રનની જરૂર હતી જ્યારે ભારતને એક વિકેટની જ. આવેશ ખાને ત્રીજા બોલ પરઑ ન્યૌચીને બોલ્ડ કરતાં ભારતનો વિજય થયો હતો. હરારે સ્પોર્ટ્‌સ ક્લબ ખાતે ભારતના કેપ્ટન કે એલ રાહુલે ટોસ જીતીને સૌપ્રથમ બેટિંગ લીધી હતી. રાહુલ (૩૦) અને શિખર (૬૮)એ મજબૂત શરૂઆત અપાવી હતી

પરંતુ રાહુલ વધુ સમય ક્રીઝ પર ટકી શક્યો નહતો. ત્રીજા ક્રમે રમવા ઉતરેલા શુભમન ગિલે ૯૭ બોલમાં ૧૫ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૩૦ રન કર્યા હતા. ગિલે ઈશાન કિશન (૫૦) સાથે ત્રીજી વિકેટ માટે ૧૪૦ રનની ભાગીદારી નોંધાવી હતી. આ સિવાય ભારતના અન્ય બેટ્‌સમેન અપેક્ષા મુજબ રમ્યા નહતા. ઈવાન્સે પાંચ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી આવેશ ખાને સૌથી વધુ ત્રણ વિકેટ તેમજ ચાહર, કુલદીપ અને અક્ષરે બે-બે જ્યારે શાર્દુલે એક વિકેટ મેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.