પાકિસ્તાને જીતની સાથે સેમિ ફાઈનલની આશા જીવંત રાખી સાઉથ આફ્રિકા માટે ફરી વરસાદ વિલન
સાઉથ આફ્રિકા માટે ફરી વરસાદ વિલન બન્યો હતો અને પાકિસ્તાન સામેની ટી-૨૦ વર્લ્ડ કપની સુપર-૧૨ની ગૂ્રપ-ટુ મેચમાં તેમનો ડકવર્થ-લુઈસના નિયમ પ્રમાણે ૩૩ રનથી પરાજય થયો હતો. આ સાથે સાઉથ આફ્રિકા સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવાની ગોલ્ડન તક ચૂકી ગયું હતુ. જ્યારે પાકિસ્તાને અંતિમ ચારમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. પ્લેયર ઓફ ધ મેચ શદાબ ખાને ૨૨ બોલમાં ૫૨ રન ફટકાર્યા બાદ ૧૬ રનમાં બે વિકેટ ઝડપી હતી.અગાઉ પાકિસ્તાને ૯ વિકેટે ૧૮૫ રન કર્યા હતા. જવાબમાં સાઉથ આફ્રિકાએ ૯ ઓવરમાં ચાર વિકેટે ૬૯ રન કર્યા ત્યારે વરસાદે રમત અટકાવી હતી. આખરે તેમને જીતવા ૧૪ ઓવરમાં ૧૪૨નો ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે સાઉથ આફ્રિકા નવ વિકેટે ૧૦૮ રન કરી શક્યું હતુ.
શરૃઆતના ધબડકા બાદ ઈફ્તિખાર-શદાબની અડધી સદી
સીડનીમાં રમાયેેલી ટી-૨૦ વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પારનેલ, નોર્ટ્જેે અને એનગિડીની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનનો ધબડકો થયો હતો અને તેમણે ૪૩ રનમાં ૪ અને ૯૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. રિઝવાન (૪), હરિસ (૨૮), બાબર (૬), મસૂદ (૨) અને વસીમ (૨૮) પેવેલિયન ભેગા થયા હતા. જોકે ઈફ્તિખાર અને શદાબની જોડીએ અડધી સદીઓ સાથે ૩૬ બોલમાં ૮૨ રન જોડયા હતા. ઈફ્તિખારે ૩૫ બોલમાં ૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૫૧ અને શદાબે ૨૨ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૫૨ રન કર્યા હતા.