અમેરિકાને હરાવીને નેધરલેન્ડ 3-1 થી ક્વાર્ટર ફાઈનલમાં, ફિફા વર્લ્ડકપ
નેધરલેન્ડે શાનદાર દેખાવ જારી રાખતાં 3-1થી અમેરિકાને હરાવીને કતાર ફિફા વર્લ્ડકપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે નેધરલેન્ડ અંતિમ આઠમાં પ્રવેશનારી આ વર્લ્ડકપની સૌપ્રથમ ટીમ બની હતી. હવે તેઓ આર્જેન્ટીના અને ઓસ્ટ્રેલિયાની મેચની વિજેતા ટીમ સામે ક્વાર્ટર ફાઈનલમાં ટકરાશે.
ફિફા વર્લ્ડકપના સૌપ્રથમ નોકઆઉટ મુકાબલામાં નેધરલેન્ડે શાનદાર જીત હાંસલ કરી હતી. શરુઆતમાં જ નેધરલેન્ડે મેમ્ફિસ ડેપાયના ગોલને સહારે સરસાઈ મેળવી લીધી હતી. તેણે માત્ર 10મી મિનિટે જ આ ગોલ નોંધાવ્યો હતો. ત્યાર બાદ હાફ ટાઈમ પહેલા 45 મિનિટ બાદના ઈન્જરી ટાઈમની પહેલી જ મિનિટે બ્લાઈન્ડે સુપર્બ ગોલ ફટકારતાં નેધરલેન્ડને લીડ અપાવી હતી.
અમેરિકાએ મેચમાં પાછા ફરવાના પ્રયાસો તેજ બનાવ્યા હતા. આખરે રાઈટના ગોલને સહારે અમેરિકાએ ખાતું ખોલાવ્યું હતુ. જોકે તેમની આ ખુશી લાંબો સમય ટકી નહતી. આખરી 9 મિનિટ બાકી હતી, ત્યારે ડમફ્રાયે ગોલ નોંધાવતા ટીમને 3-1થી જીત અપાવી હતી.