નડાલ અબુધાબી એક્ઝિબિશન ટેનિસ ટુર્નામેન્ટથી પુનરાગમન કરશે
છેલ્લા કેટલાક મહિનાથી ઈજાના કારણે સાઈડલાઈન થઈ ગયેલા સ્પેનના ટેનિસ સ્ટાર નડાલે પુનરાગમનની તૈયારી કરી છે. નડાલ અબુધાબીમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપની એક્ઝિબિશન ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. આમ ત્રણ દિવસ ચાલનારી એક્ઝિબિશન ટુર્નામેન્ટમાં રશિયાનો ખેલાડી રૂબ્લોવ તેમજ બ્રિટનનો એન્ડી મરે પણ ભાગ લેવાનો છે. જ્યારે શરૂઆતના મુકાબલામાં આવતીકાલે મરેની ટક્કર તેના દેશના ડાન ઈવાન્સ સામે થશે. જ્યારે બીજીતરફ અમેરિકાનો ટેલર ફિટ્ઝ કેનેડાના શાપોવાલોવ સામે ટકરાશે. આ બંને મેચના વિજેતાને આગળના રાઉન્ડમાં તક મળશે. મરે અને ઈવાન્સની મેચના વિજેતાનો મુકાબલો નડાલ સામે થશે,જ્યારે શાપોવાલોવ અને ફિટ્સમાંથી વિજેતા બનેલો ખેલાડી ત્યારબાદ રૂબ્લોવ સામે ટકરાશે. જે પછી ફાઈનલ મુકાબલો રમાશે.