આઈપીએલ; પાર્થિવ પટેલને મહત્વની જવાબદારી, ગુજરાત ટાઇટન્સના આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે જોડાયો
IPL 2025ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે યોજાવાની છે. તમામ ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ પણ બહાર પાડી છે. ગુજરાત ટાઇટન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં શુભમન ગિલ, રાશિદ ખાન, સાઈ સુદર્શન, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે. ગુજરાતને હરાજીમાં RTM કરવાની તક મળશે. IPL 2024માં ગુજરાતની ટીમ ખાસ પ્રદર્શન કરી શકી નથી. હવે IPL 2025 પહેલા ગુજરાત ટાઇટન્સે એક મોટો નિર્ણય લીધો છે અને મુંબઈ ઈન્ડિયન્સ માટે ખિતાબ જીતનાર પાર્થિવ પટેલને મહત્વની જવાબદારી સોંપી છે.
ગુજરાત ટાઇટન્સના આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે જોડાયો
ગુજરાત ટાઇટન્સે તેમના નવા આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે પાર્થિવ પટેલની નિમણૂકની જાહેરાત કરી છે. ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બેટર પાર્થિવ હવે IPLમાં ગુજરાત ટાઇટન્સ સાથે જોડાયો છે. તે ત્રણ સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ માટે ટેલેન્ટ સ્કાઉટ તરીકે કામ કર્યું હતું અને 2023માં મુંબઈ અમીરાત માટે બેટિંગ કોચ તરીકે પણ કામ કર્યું હતું. પાર્થિવ પટેલે તેની કારકિર્દી દરમિયાન, ભારત માટે 25 ટેસ્ટ, 38 ODI અને બે T20I રમી છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં, તેણે ગુજરાત માટે 194 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી.