ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટરે BCCI પર કર્યા પ્રહાર, કહ્યું કરોડોની કમાણી કરી
ટીમ ઈન્ડિયાના પુર્વ કેપ્ટન અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય દિલીપ વેંગસરકરએ ભારતીય ટીમના ભવિષ્યના મુદ્દે બીસીસીઆઈ અને પુર્વ સેલેક્ટર્સ પર નિશાન તાક્યું હતું.
ટીમ ઈન્ડિયાએ જ્યારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં નિરાશાજનક હાર મેળવી છે તે પછી તેમના ઉપર જાતભાતના નિવેદનો આવી રહ્યા છે. કોઈ તેના દિગ્ગજ ખેલાડીઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક ટીમ મેનેજમેન્ટને ભીંસમાં લઈ રહ્યું છે. આ નિરાશાજનક હાર પછી ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારની ચર્ચાઓ થઈ રહી છે. નિષ્ણાતો ભવિષ્યની ટીમ બનાવવાની વાત કરી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન દિલીપ વેંગસરકરે BCCI પર નિશાન તાકતા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બીસીસીઆઈએ પૈસા કમાઈ લીધા પરંતુ તેઓ બેન્ચ સ્ટ્રેંથ ના બનાવી શક્યા. તે ભવિષ્યનો કેપ્ટન ના શોધી શક્યા.
એક ઈન્ટરવ્યુમાં વાત કરતાં દિલીપ વેંગસરકરે સિલેક્શનકર્તા અને BCCI પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે છેલ્લા 6-7 વર્ષોમાં સિલેક્શનકર્તાઓએ ભવિષ્યની ટીમ બનાવવા માટે કાઈજ કર્યુ નથી. આ સાથે તેમણે BCCI ને પણ આડા હાથે લીધી હતી.
બીસીસીઆઈ અને પૂર્વ સિલેક્શનકર્તાઓની વિરુદ્ધ મોરચો માંડતા વેંગસરકરે કહ્યું કે છેલ્લા 6-7 વર્ષમાં કોઈ વિઝન જોવા નથી મળતું. તેમજ સિલેક્શનકર્તાઓને રમત વિશે ઊંડી સમજણ પણ નથી. સિલેક્શનકર્તાઓએ તે વખતે શિખર ધવનને કેપ્ટન બનાવ્યો ત્યારે મોટા ખેલાડીઓ આરામ કરી રહ્યા હતા. તેથી હવે ભવિષ્યના કેપ્ટન પર કામ કરી શકાય છે.
વેંગસરકરે BCCI વિરુદ્ધ વાત કરતા કહ્યું કે ટીમ મેનેજમેન્ટે પણ કોઈને તૈયાર નથી કર્યા. તમે સૌથી અમીર ક્રિકેટ બોર્ડની વાત કરો છો. પરંતુ બેન્ચ સ્ટ્રેન્થ ક્યાં છે? માત્ર IPL નું આયોજન કરી મીડિયા અધિકારોમાંથી કરોડો રૂપિયા મેળવવા એ કોઈ ઉપલબ્ધિ ના હોવી જોઈએ.