હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો બાંગ્લાદેશ સામે ૯-૦થી વિજય

Sports
Sports

સાઉથ કોરિયા સામેની મેચ ૨-૨થી ડ્રો થયા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે મેન્સ હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમા યજમાન બાંગ્લાદેશ સામે ૯-૦થી પ્રભુત્વસભર વિજય મેળવ્યો હતો. ભારતે આ સાથે ફરી ચેમ્પિયન બનવાનો આત્મવિશ્વાસ બતાવ્યો છે. ભારતીય ટીમના સ્ટ્રાઈકર દિલપ્રીત સિંઘે ગોલ હેટ્રિક નોંધાવી હતી. તાજેતરના ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યા બાદની ભારતની આ સૌપ્રથમ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યું છે.

ભારતીય સ્ટ્રાઈકર દિલપ્રીતે શાનદાર દેખાવ કરતાં ૧૨મી, ૨૨મી અને ૪૫મી મિનિટે ગોલ ફટકાર્યા હતા. દિલપ્રીતે ત્રણેય ફિલ્ડ ગોલ નોંધાવ્યા હતા. જ્યારે જર્મનપ્રીત સિંઘે ૩૩ અને ૪૩મી મિનિટે બે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવતા ભારતની જીતમાં યોગદાન આપ્યું હતુ.

આક્રમક મિજાજ સાથે હોકી રમતાં ભારતીય ટીમ યજમાનો પર હાવી થઈ ગઈ હતી. મેચની ૨૮મી મિનિટે ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંઘની ફ્લિક પર લલીત ઉપાધ્યાયે ગોલ નોંધાવ્યો હતો. જ્યારે મેચની ૫૪મી અને ૫૫મી મિનિટે ભારતે બે ગોલ ઉપરાઉપરી નોંધાવ્યા હતા.

આકાશદીપ સિંઘે પણ ગોલ સ્કોરર્સની યાદીમાં નામ નોંધાવ્યું હતુ. જ્યારે મનદીપ મોરે કારકિર્દીની સૌપ્રથમ મેચમાં ૫૫મી મિનિટે ગોલ ફટકારતાં ટીમની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આખરી ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે ભારતને મેચનું ૧૩મું પેનલ્ટી કોર્નર મળ્યું હતુ. જેને હરમનપ્રીત સિંઘે ગોલમાં ફેરવતા ભારતને ૯-૦થી જીત અપાવી હતી.

હવે ભારતીય ટીમ તેની લીગ મેચમાં પરંપરાગત હરિફ પાકિસ્તાન સામે શુક્રવારે મુકાબલો ખેલશે. ભારતના આયોજનબદ્ધ આક્રમણોનો બાંગ્લાદેશ પાસે કોઈ જવાબ નહતો. ભારતીય ખેલાડીઓ સ્કીલ અને ટેકનિકની રીતે વધુ ચડિયાતા જોઈ શકાતા હતા અને મેચ શરૃઆતથી જ એક તરફી લાગી રહી હતી.

પાકિસ્તાન હજુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક જ મેચ રમ્યું છે. જેમાં તેમણે જાપાન સામે ૦-૦થી ડ્રો પરિણામ મેળવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.